- ખેડૂતોએ સરકારની નીતિનો વિરોધ કરવા વિરોધ પ્રદર્શન કર્યું
- ખેડૂતો 500 ટ્રેકટર્સ સાથે રસ્તા પર ઉતરી પડયા
- 20 ફેબ્રુઆરીએ પોલેન્ડની સરહદોને ખેડૂતો સીલ મારશે
પોલેન્ડના ખેડૂતો સરકારની નીતિઓ વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ યુરોપિયન યુનિયનનો પણ વિરોધ કરી રહ્યા છે. ગત દિવસે વિરોધ પ્રદર્શનમાં ઈયુની મુખ્ય ઑફિસ પર ખેડૂતોએ ઈંડા ફેંકી વિરોધ કર્યો હતો. 500 ટ્રેકટરની સાથે એક હજાર ખેડૂતો રસ્તા પર ઉતરી પડયા છે. 20 ફેબ્રુઆરીએ દેશની સરહદો સીલ મારવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.
સમગ્ર યુરોપમાં ખેડૂતો જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે તેઓ યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પ્રતિબંધને કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો છે અને નફો ઓછો છે. પડોશી યુક્રેનમાં યુદ્ધની પોલિશ ખેડૂતો પર પણ ગંભીર અસર પડી છે.
શા માટે યુરોપિયન ખેડૂતો વિરોધ કરી રહ્યા છે?
પોલિશ ખેડૂતો ખાસ કરીને યુક્રેનથી સસ્તા અનાજની આયાત સામે વિરોધ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, સ્થાનિક ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાને બદલે, સરકાર પડોશી યુક્રેનમાંથી સસ્તા ભાવે આયાત કરે છે. આ જ કારણ છે કે ગયા શુક્રવારથી ખેડૂતો 30 દિવસની હડતાળ પર છે. આ દરમિયાન ખેડૂતોએ યુક્રેનને અડીને આવેલા કેટલાક રસ્તાઓ પણ બ્લોક કરી દીધા છે.
ખેડૂતોએ તેમની સરહદો સીલ કરવાની ચેતવણી આપી છે
પોલિશ ખેડૂતો યુક્રેન સાથેના તમામ બોર્ડર ક્રોસિંગની સંપૂર્ણ નાકાબંધી અને 20 ફેબ્રુઆરીએ રાજધાની વોર્સોમાં સામૂહિક વિરોધ કરવાની યોજના ધરાવે છે. ખેડૂતોએ માત્ર યુક્રેનની સરહદો જ નહીં પરંતુ સંચાર કેન્દ્રો, ટ્રાન્સશિપમેન્ટ, રેલવે સ્ટેશન અને દરિયાઈ બંદરોને પણ સીલ કરવાની ચેતવણી આપી છે. યુરોપિયન ખેડૂતો અગાઉ જાહેર કરાયેલ ‘સ્ટાર માર્ચ’માં તે જ દિવસે તમામ દિશાઓથી વોર્સો પહોંચશે. 22 ફેબ્રુઆરીએ ચેક રિપબ્લિકના ખેડૂતો પણ મધ્ય અને પૂર્વ યુરોપના ખેડૂતો સાથે વિરોધમાં જોડાશે અને તેમના દેશની સરહદો સીલ કરશે.


