હારીજ ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે રૂપાંતર કરાયેલી હારીજ મામલતદાર કચેરીના મામલતદાર વી.ઓ પટેલે ગત રવિવારે સવારે કચેરીના ધાબા પર ચડી કુદકો મારી જીવનલીલા સંકેલી લીધી હતી. જે અંગે કચેરીના નાયબ મામલતદારે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં મામલતદારના મોત થયા ના આજ દિન સુધી સાત દિવસ વિતવા છતાં પણ પોલીસને તપાસમાં કોઇ કડી હાથ ન લાગતાં મોતનું કારણ ઘૂંટાતું જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ હારીજ મામલતદાર કચેરી ખાતે ગત રવિવારની સવારે મામલતદાર વિ ઓ પટેલ દ્વારા વહેલી સવારે પોતાની પ્રાઇવેટ ગાડી લઈને આવી કચેરીના ચોકીદાર પાસે દરવાજો ખોલાવીને અંદર ગયા બાદ પંદરેક મિનિટમાં જ કચેરીના ત્રીજા માળે ચડીને મોતની છલાંગ લગાવી હતી જે અંગેની ફરિયાદ કચેરીના નાયબ મામલતદારે હારીજ પોલીસ મથકે નોંધાવી હતી ત્યારે હારીજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો તેમજ તપાસ દરમિયાન હારીજ મામલતદાર વી ઓ પટેલે મોતને વહાલું કર્યા પહેલા જ જંતુનાશક દવા પીધેલી હોવાનું પીએમ રિપોર્ટમાં તેમજ મામલતદારની ઓફિસની બાજુમાંથી જંતુનાશક દવાની બાટલી મળી આવી હતી ત્યારબાદ તપાસના દરમિયાન પોલીસ દ્વારા જંતુનાશક દવાની બાટલી અને મામલતદાર ની પોતાની ગાડી કબજે કરી હતી તેમજ મામલતદાર દ્વારા આત્મહત્યા કરી તેના છ દિવસ પહેલા પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓની ફેક આઈડી બનાવવામાં આવી છે તેમજ જે આઈડી બનાવવામાં આવી છે તેના પરથી ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી હતી તેમ છતાં આજ દિન સુધી સાત દિવસ વિતવા છતાં તપાસમાં કોઈ પોલીસને કડી હાથ ન લાગતા મામલતદારના મોતનું રહસ્ય ઘેરુ બન્યું છે


