- સ્પોર્ટસ ક્લબના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ શાંતિકૃપાના બિલ્ડર સાથે મિટિંગ કરી
- ચેખલા ગામના 400 રહીશોએ સ્પોટ્ર્સ ક્લબ બનાવવા સહી કરીને સહમતી આપી હતી
- કલબને કલોલ તાલુકાના ચેખલા ગામની જમીન પર ક્લબ બનાવવાનું વિચાર્યું
કલોલ તાલુકાના ચેખલા ગામમાં સોસાયટીની જમીન પર નવી સ્પોર્ટસ ક્લબ બનાવવામાં આવી રહી છે જેનો વિવાદ ચાલી રહ્યો છે. જોકે આખો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. હાઇકોર્ટે 16 ફેબ્રુઆરી સુધી સ્ટે લંબાવી દીધો છે તો બીજી તરફ ઔડાએ પણ એવી રજૂઆત કરી છે કે, બાંધકામની કોઈ પરવાનગી આપી નથી. હવે પ્રશ્ન એવો ઊભો થયો છે કે, ઔડા ક્લબનું બાધકામ તોડી પાડશે કે અંદરખાને ગોઠવણ પાડી દેશે. સ્પોર્ટસ કલબના પ્રેસિડેન્ટ એન. કે.પટેલ સહિત કમિટી સભ્યોની શાંતિકૃપા ડેવલપરના બિલ્ડર વસંતભાઇ સાથે મિટિંગ કર્ણાવતી કલબના પૂર્વ સેક્રેટરી હસમુખ પરીખે કરાવી હતી. અંદાજે 60 કરોડમાં જમીનનો સોદો કરાવ્યો હતો.
સ્પોર્ટસ કલબે જમીનની જરૂરિયાત હોવાનુ ટેન્ડર બહાર પાડયું હતું. ટેન્ડરના આધારે દસ પાર્ટીઓએ રસ દાખવ્યો હતો. જોકે કલબને કલોલ તાલુકાના ચેખલા ગામની જમીન પર ક્લબ બનાવવાનું વિચાર્યું હતું. જમીન લેવાનું નક્કી થયા પછી લીગલ એડવાઇઝરોએ સોદો કરતા પહેલા તમામ લીગલ મુદ્દાઓની તપાસ કરવા માટે એક વર્ષના સમય લાગ્યો હતો. ત્યાર પછી ચેખલા ગામમાં રહેતા સ્થાનિક 400 સભ્યો કે જેમના પોતાના મકાન છે તેમની સહમતી લેવામા આવી હતી. ત્યાર પછી કલબ બનાવવાનુ નક્કી કરાયા પછી ક્લબનું કામ શરૂ થઇ ગયું હતું. 70 ટકા જેટલુ બાધકામ પૂર્ણ થઇ ગયું છે ત્યાર પછી ઔડાએ નોટિસ આપીને કલબનુ બાધકામ બંધ કરાવી દીધુ હતુ. ઔડાએ શાંતિકૃપા ડેવલોપરના બિલ્ડર વસંતભાઇ, સ્પોર્ટસ કલબને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો.


