- ચીનના સ્થાનિક હવામાન વિભાગે ઇસ્યુ કર્યા 3 એલર્ટ
- પહેલા એલર્ટમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની આશંકા
- બીજા એલર્ટ દ્વારા અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આશંકા
પાડોશી દેશ ચીન છેલ્લા કેટલાય દિવસોથી કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. ચીનના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગત રવિવાર 18 ફેબ્રુઆરીના રોજ 3 એલર્ટ જાહેર કર્યા હતા. પહેલા એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અનેક વિસ્તારોમાં ટૂંક સમયમાં તાપમાનમાં મોટો ઘટાડો થશે. ત્યારબાદ, બીજા એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. જ્યારે, ત્રીજા એલર્ટમાં રેતીલા તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે હવે આ તમામ એલર્ટ સાચા પણ પડી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં કેટલાંક વિડિયોઝ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલ વિડિયોઝમાં ચીનના કેટલાંક વિસ્તારોમાં ભયંકર રેતીલા તોફાન જોવા મળી રહ્યા છે.
ભયાનક ઠંડીની સંભાવનાને લઈને ઓરેન્જ એલર્ટ
સ્થિતિ એવી ઊભી થઈ છે કે હજારો લોકો પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. ચીનના નેશનલ મેટિયોરોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભયાનક ઠંડીની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ વિસ્તારો જે કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે તેમાં ખાસ કરીને આંતરિક મંગોલિયા, ઉત્તર પૂર્વ ચીન અને ઉત્તરી ચીનના ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધ્ય ભાગમાં આવેલા હુબેઈ અને હુનાન પ્રાંતમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે.
લોકોને હાઇવે અને એક્સપ્રેસવે પર જવાની મનાઈ
ચીની જનતાની મુશ્કેલીઓ તે સમયે વધી ગઈ જ્યારે ભયાનક ઠંડી વચ્ચે રેતીલા પવનો ફૂંકાવા લાગ્યા. રેતીલા પવનની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આ પવનને કારણે અનેક વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા. આ દરમિયાન કેટલાક વૃક્ષો પવનમાં ઉડતા પણ જોવા મળ્યા હતા. સ્થિતિ એવી છે કે ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ગાંસૂ પ્રાંતના જીયુક્વાન શહેરમાં લગભગ 40,000 લોકો ફસાયેલ છે. તુફાનની ગતિને જોતાં લોકોને હાઇવે અને એક્સપ્રેસવે પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.


