- બે જૈન સંસ્થાઓએ નેમિનાથની ટૂંકના દવા સાથે હાઈકોર્ટમાં અરજી કરી
- સ્થાનક ભગવાન દત્તાત્રેયના પગલાંનું ધાર્મિક સ્થાન અને આસ્થાનું પ્રતિક છે
- પાંચમું શિખર મૂળ જૈનોનું હતુ અને તેઓ વર્ષોથી ભગવાન નેમિનાથના પગલાંની પૂજા કરતા આવ્યા છે
ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી (શિખર) પરના તીર્થને લઇ જૈનો અને હિન્દુઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બે જૈન સંસ્થાઓએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી કરી ગિરનાર પર આ પાંચમી ટેકરી પર ભગવાન નેમિનાથના પગલાં હોવાનો દાવો કર્યો છે. હાઇકોર્ટે આ કેસમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી એપ્રિલમાં નક્કી કરી છે.
ગિરનાર પર પાંચમી ટૂંક (ટેકરી) પર પોતપોતાના ભગવાનના સ્થાનક અને પુરવાને લઇ જૈનો અને હિન્દુઓ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જૈનાના દાવા પ્રમાણે, પાંચમા શિખર પર જૈનોના 22મા તીર્થકર ભગવાન નેમિનાથના પગલાં છે. તો, હિન્દુઓના મતે, આ સ્થાનક ભગવાન દત્તાત્રેયના પગલાંનું ધાર્મિક સ્થાન અને આસ્થાનું પ્રતિક છે. 2004માં આ વિવાદમાં પોલીસ ફ્રિયાદ સુધી પણ વાત પહોંચી હતી. દરમ્યાન હવે જૈન ધર્મ સંરક્ષણ મહાસંઘ અને સકલ દિગમ્બર જૈન સાધર્મી સહયોગ પ્રતિષ્ઠાન સંસ્થા તરફ્થી હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરાઇ હતી. અરજદાર સંસ્થાઓ તરફ્થી રજૂઆત કરાઇ હતી કે, ગિરનાર પર્વત પરના પાંચમા શિખર પર તેમના ભગવાન નેમિનાથના પગલાં અને છાપ હોવાથી તેમને પ્રથમ પૂજાનો અધિકાર મળવો જોઇએ. આ પાંચમું શિખર મૂળ જૈનોનું હતુ અને તેઓ વર્ષોથી ભગવાન નેમિનાથના પગલાંની પૂજા કરતા આવ્યા છે. અરજદારોએ તેમના દાવાના સમર્થનમાં જરૂરી પુરાવા અને દસ્તાવેજી રેકર્ડ પણ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમનું ધાર્મિક અસ્થાનું સ્થાનક હોવા છતાં જૈનોને પ્રવેશવા કે દર્શન કરવા દેવાતા નથી. તેમજ અતિક્રમણ કરનારાઓએ ઇરાદાપૂર્વક ભગવાનના પગલાંને ઢાંકી દીધા હતા.


