- પોલીસે ભંગાર અને ઈકો કાર સહિત રૂ. 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે તાલુકા સેવા સદન રોડ પરથી દબોચ્યા
- પવનચક્કી બહારથી ચોરી કરી કરી હોવાની કબુલાત કરી હતી
મૂળીના સરલા ગામે આઈનેકસ કંપનીની પવનચક્કી આવેલી છે. જેમાં તાલુકાના સરલા ગામના રાકેશભાઈ લક્ષ્મણભાઈ બોસીયા સિકયોરીટી મેન તરીકે ફરજ બજાવે છે. ગત તા. 1૫મીએ રાત્રે તેઓ ફરજ પર હતા અને રાત્રે 11 કલાકે પાવર સ્ટેશન ફરતે રાઉન્ડ લગાવતા હતા. ત્યારે પવનચક્કીના ગેટ નં. ર પાસે રાખવામાં આવેલ એલ્યુમીનીયમ તારના વેસ્ટેજ ટુકડાનો ભંગાર ઓછો થયો હોવાનું લાગ્યુ હતુ. આથી તેઓએ સીકયોરીટી ઈન્ચાર્જ વી.પી.સીંઘને જાણ કરી હતી. જેમાં તા. 18મીએ મોડી સાંજે રાકેશભાઈ બોસીયાએ અજાણ્યા શખ્સ સામે 400 કિલો ભંગાર કિંમત રૂ. 35 હજારનો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને તાલુકા સેવા સદન રોડ પરથી બે શખ્સો ઈકો કારમાં ભંગાર લઈને જતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં ધ્રાંગધ્રાની ફન પોઈન્ટ હોટલ સામે ઝુંપડામાં રહેતો રાજુ ઉર્ફે કાણીયો નરશીભાઈ વીરમગામીયા અને વાદીપરા પાસે પુલ નીચે રહેતો શામજી માધવભાઈ રાવળદેવને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સોએ મુળીમાં પવનચક્કી બહારથી ચોરી કરી કરી હોવાની કબુલાત કરી હતી.


