- ખેડૂત આંદોલન વચ્ચે કેબિનેટનો મોટો નિર્ણય : ઢોરઢાંખર માટે પણ નવી યોજના
- ફ્લડ મેનેજમેન્ટ, બોર્ડર એરિયા પ્રોગ્રામ માટે 4,100 કરોડ
- સ્પેસ સેક્ટર માટેની FDI પોલિસીમાં સુધારા
ખેડૂત આંદોલન વચ્ચે બુધવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. કેબિનેટે શેરડીની ખરીદ કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કર્યો છે. શેરડીની ખરીદ કિંમત પ્રતિ ક્વિન્ટલ 315 રૂપિયાથી વધારીને 340 રૂપિયા કરાઇ છે. બેઠક બાદ કેબિનેટ બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. બીજો મોટા નિર્ણય અંતર્ગત ઢોરઢાંખર માટે એક યોજના શરૂ કરાઇ રહી છે, જે અંતર્ગત પશુધન માટે કાર્યરત સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને કે વ્યક્તિગત 50 ટકા સબસિડી (મહત્તમ 50 લાખ રૂપિયા) અપાશે. તમામ પશુધન માટે વીમાલાભ મળશે. તે માટે 20થી 50 ટકા પ્રીમિયમ હતું, જે ઘટાડીને 15 ટકા કરાયું છે. પ્રાઇવેટ ઇન્સ્ટિટયૂશનને 50 ટકા સબસિડી (મહત્તમ 50 કરોડ રૂપિયા) અપાશે. ઠાકુરે ઉમેર્યું હતું કે ત્રીજો મોટો નિર્ણય ફ્લડ મેનેજમેન્ટ અને બોર્ડર એરિયા પ્રોગ્રામ સંબંધમાં લેવાયો છે. આ પ્રોગ્રામ માટે 4,100 કરોડ રૂપિયા ફાળવાયા છે. 2025-26 સુધીમાં ફ્લડ મેનેજમેન્ટ માટે 2,930 કરોડ રૂપિયા અપાશે. ફન્ડિંગ પેટર્નનો રેશિયો 60:40 રહેશે. 60 ટકા ફંડ કેન્દ્ર અને 40 ટકા રાજ્ય સરકાર આપશે.
સ્પેસ સેક્ટર માટેની FDI પોલિસીમાં સુધારા
કેબિનેટે સ્પેસ સેક્ટર માટેની એફડીઆઇ પોલિસીમાં સુધારાને પણ બહાલી આપી છે. સેટેલાઇટ્સ સબ-સેક્ટરને જુદીજુદી ત્રણ એક્ટિવિટીમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક માટે વિદેશી રોકાણની મર્યાદા નક્કી કરાઇ છે.
ઓટોમેટિક રૂટ હેઠળ 74% સુધી : ઉપગ્રહો-ઉત્પાદન અને સંચાલન, સેટેલાઇટ ડેટા પ્રોડક્ટ્સ અને ગ્રાઉન્ડ સેગમેન્ટ અને વપરાશકર્તા સેગમેન્ટ. 74%થી ઉપર આવી પ્રવૃત્તિઓ ગવર્નમેન્ટ રૂટ હેઠળ છે.
ઓટોમેટિક રૂટ હેઠળ 49% સુધી : લૉન્ચ વ્હિકલ્સ અને સંબંધિત સિસ્ટમ્સ અથવા સબસિસ્ટમ્સ, સ્પેસક્રાફ્ટ લૉન્ચ કરવા અને પ્રાપ્ત કરવા માટે સ્પેસપોર્ટ્સનું નિર્માણ. 49%થી ઉપર આવી પ્રવૃત્તિઓ ગવર્નમેન્ટ રૂટ હેઠળ છે.
ઓટોમેટિક રૂટ હેઠળ 100% સુધી : ઉપગ્રહો, ગ્રાઉન્ડ સેગમેન્ટ અને વપરાશકર્તા સેગમેન્ટ માટે ઘટકો અને સિસ્ટમ્સ/પેટા-સિસ્ટમનું ઉત્પાદન.
મહિલાઓની સુરક્ષા માટે પણ મહત્ત્વનો નિર્ણય
કેબિનેટની બેઠકમાં મહિલા સુરક્ષા માટે 2025-26 સુધી એક સ્કીમ લાગુ કરવા નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112ની સેવા ચોવીસ કલાક માટે વિસ્તારાશે. સાયન્ટિફિક અને સમયબદ્ધ તપાસ માટે પૂણે, ચંડીગઢ, દિલ્હી અને ભોપાલ સહિત 6 શહેરમાં સાયબર ફોરેન્સિક સાયન્સ લેબ બનશે. નેશનલ ફોરેન્સિક ડેટા સેન્ટરની પણ સ્થાપના કરાશે.


