- 70 લાખના ખર્ચે બનાવેલો રોડ આઠ માસમાં તૂટી ગયો
- રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો
- ટુ વ્હીલર ચાલકોને અકસ્માત સર્જાવવાની દહેશત પ્રવર્તે
નડિયાદ શહેરના મરીડા દરવાજા થી રીંગ રોડને જોડતો નવો રોડ રૂ. 70 લાખ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવેલ હોવાથી આ રોડ આઠ માસમાં અત્યંત બિસમાર અને ઉબડ ખાબડ બની ગયો છે. જેનાકારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનો સામાન વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.તેવા આક્ષેપો વોર્ડ નં 6 ના કાઉન્સીલર માજીદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યો છે.
આ બાબતે કાઉન્સીલર માજીદખાને કહ્યું હતું કે, નડિયાદ નગરના મરીડા દરવાજા થી રીંગ રોડને જોડતો રોડ ઘણા સમયથી બિસમાર થઇ ગયો છે. આ રોડને આઠ માસ પહેલા રૂ. 70 લાખ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડ તંત્રના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત નાકારણે આ રોડ બનાવવામાં એકદમ હલકી ગુણવત્તાનો સામાન વાપરેલ હોવાથી આઠમાસમાં રોડ ખખડધજ બની ગયો છે. રોડ ઉપર અસંખ્ય નાના મોટા ખાડા પડેલા છે. રોડ પરથી મેટલ કપચી ઉખડી ગયેલ છે. જેને લઇને વાહનચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રોડ ઉબડ ખાબડ હોવાથી ટુ વ્હીલર ચાલકોને અકસ્માત સર્જાવવાની દહેશત પ્રવર્તે છે. બિસમાર રોડ ને લઇને અવર જવર કરતાં વાહનોના કારણે ધૂળ ઉડે છે. જેથી રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટરે આ સમસ્યાના નિરાકરણ માટે જે તે અધિકારીને સુચના આપવામાં આવી હતી. તેમછતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું નથી. સત્વરે આ સમસ્યા હલ કરવામાં નહીં આવતો હાઇકાર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


