- ટેલી મેડીસિન સેવા પણ શરૂ કરવામાં આવી
- એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 3 હેલિપેડ બનાવશે
- OPD માફક IPD માં કેશલેશ સુવિધા શરૂ થશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂ.48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે.
રૂ.6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ
વડાપ્રધાન દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત રૂ.1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

IPD અને OPD ની સુવિધા મળશે
AIIMS એકઝીક્યુટિવ ડિરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું કે, 2014 બાદ સરકારે સ્વાસ્થ્ય વિભાગ માટે ખૂબ કામ કરી રહી છે. 157 નવા મેડિકલ કોલેજો ખુલ્યા છે. અત્યારે 69 ફેકલ્ટી AIIMS રાજકોટ પાસે છે.જેમના દ્વારા દર્દીઓને તપાસવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવે છે. IPD માટેની નર્સિંગ ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે. PDU હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવી છે. 14 ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા OPD માં સેવા આપવામાં આવી રહી છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, એટલું જ નહીં AIIMS દ્વારા ટેલી મેડીસિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. પ્રતિ દિવસ 150 જેટલા દર્દીઓ ઘરબેઠા નિદાન મેળવી રહ્યા છે. લોકાર્પણ પૂર્ણ થયા બાદ થોડા સમયમાં IPD સેવા શરૂ કરવામાં આવશે. OPD માફક IPD માં કેશલેશ સુવિધા શરૂ કરવામાં આવશે. ICMR દ્વારા BSL – 3 લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. AIIMS દ્વારા ડ્રોન દ્વારા સેમ્પલ કલેક્ટ અને દવા પણ પહોંચાડવામાં આવશે.

એર એમ્બ્યુલન્સ અને ડ્રોન સુવિધા મળશે
રાજકોટ AIIMSની વિવિધ કાર્યવાહી અંગે જણાવ્યું કે, દર્દીઓના પરિવારજનોને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. તેમજ એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. AIIMS દિલ્હીમાં જે કિંમતમાં સેવાઓ મળી રહી છે એજ કિંમતમાં સેવાઓ મળશે. સીટી બસની સુવિધા આગામી દિવસમાં ડબલ કરવામાં આવશે. ઈ રીક્ષાની સુવિધા ડબલ કરવામાં આવશે. 1GBPS ની ઈન્ટરનેટની સ્પીડ દ્વારા સેવા મેળવવામાં આવી રહી છે. તેમજ 4 મોબાઈલ ઓપરેટર દ્વારા પોતાના ટાવર લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં AIIMS સંકુલ ખાતે પીજી અને નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવશે.
અન્ય વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
- રૂ.5000 કરોડથી વધુના મૂલ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- રૂ.2200 કરોડથી વધુના મૂલ્યના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- રૂ.550 કરોડથી વધુના મૂલ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના વિકાસકાર્યો
- રૂ.250 કરોડથી વધુના મૂલ્યના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના વિકાસકાર્યો
- રૂ.250 કરોડથી વધુના મૂલ્યના પાણી પુરવઠા વિભાગ હેઠળના વિકાસકાર્યો
- રૂ.200 કરોડથી વધુના મૂલ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના વિકાસકાર્યો
- રૂ.60 કરોડથી વધુના પ્રવાસન વિભાગના વિકાસકાર્યો


