- યુપીના કાસગંજમાં ગમખ્વાર અકસ્માત
- ગંગા સ્નાન કરવા જતી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી
- સીએમ યોગીએ રાહત કાર્ય ઝડપી કરવા આપ્યા નિર્દેશ
આજે માઘ પૂર્ણિમા છે. આ અવસર પર ગંગા સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુએ ગંગા તટ પર ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. પરંતુ આ વચ્ચે કાસગંજમાં ગંગા સ્નાન કરવા જતી ટ્રેક્ટર ટ્રોલીનો ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
12 લોકોના મોત
ઉત્તર પ્રદેશના કાસગંજમાં આ ઘટના બની છે. માઘ પૂર્ણિમાના અવસરે ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ગઈ, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા 12 લોકોના મોત થયા છે.
ઘાયલોને ખસેડાયા સારવાર અર્થે
ઘટનાના ગ્રામજનો દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક શ્રદ્ધાળુઓને મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજમાં થયેલા ગંભીર અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ તેઓએ ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.


