- આતંકવાદ વિરુદ્ધ NIAની કાર્યવાહી
- LeT અને HM સાથે જોડાયેલા આતંકીઓની સંપત્તિ જપ્ત કરી
- 2.27 કરોડની રોકડ પણ કરવામાં આવી જપ્ત
કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા ફંડિંગ નેટવર્કને તોડી પાડવાની દિશામાં NIA દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. NIAએ હંદવાડા નાર્કો-ટેરરિઝમ કેસમાં ચાર મિલકતો જપ્ત કરી છે અને રોકડ જપ્ત કરી છે. આ સંપત્તિઓ બે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (લશ્કર) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) સાથે જોડાયેલી છે.
ચાર આરોપીઓની સંપત્તિ જપ્ત
માહિતી અનુસાર, NIA દ્વારા કુપવાડા જિલ્લાના હંદવાડા તાલુકામાં ચાર આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં UA(P) એક્ટની કલમ 25 હેઠળ કુલ 2.27 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
15 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે
જપ્ત કરેલી અસ્થાયી મિલકતોમાં આરોપી અફાક અહેમદ વાનીનું બે માળનું મકાન, આરોપી મુનીર અહેમદ પાંડેનું એક માળનું મકાન, સલીમ અંદ્રાબીનું ઘર અને ઇસ્લામ ઉલ હકનું બે માળનું મકાન સામેલ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં NIAએ 15 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.


