- સાઉદી અને દુબઈ જનારા માટે ખુશખબર
- દુબઈ મલ્ટિપલ પ્રવેશ વિઝા આપશે, જે બેથી પાંચ દિવસમાં મળી જશે
- જેના આધારે પ્રવાસી 90 દિવસ રોકાઈ શકશે, પાંચ વર્ષ માટે ખાસ ઓફર
સાઉદી અરબ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી જવાની આશા છે. રાજધાની રિયાધનું 2030 સુધીમાં 7.5 મિલિયન ભારતીય પર્યટકોને આકર્ષવાનું લક્ષ્ય છે. સાઉદીના સ્થાપના દિવસ પ્રસંગે ટોચના અધિકારીએ કહ્યું કે ગયા વર્ષે ભારતીય પર્યટકોની સંખ્યામાં પચાસ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સાઉદી આવનારા ભારતીય પર્યટકો માટે 96 કલાકના મફત વિઝા યોજનાનો ઉલ્લેખ કરતાં અલહસન અલ્દાબાગે કહ્યું કે સ્ટોપ ઓવર કાર્યક્રમ હેઠળ સાઉદી આવનારા લોકોને 96 કલાક માટે મફત વિઝા આપવામાં આવશે. તેનો લાભ સાઉદી એરલાઇન્સ કે ખાનગી એરલાઇન ફ્લાઇનાસ દ્વારા મુસાફરી કરવાથી મળશે. ગયા વર્ષે ભારતથી 1.5 મિલિયન પ્રવાસી સાઉદી આવેલા. 50 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ જોતાં 2030 સુધીમાં ભારતથી સાઉદી અરબ આવનારા મુસાફરોની સંખ્યા 7.5 મિલિયન સુધી પહોંચાડવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રખાયું છે.
દુબઈ માટે ખાસ ઓફર
પર્યટન તથા વેપાર સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષના મલ્ટિપલ પ્રવેશ વિઝા આપવાનો નિર્ણય કરાયો છે. આ વીઝા બેથી પાંચ કાર્યદિવસોમાં જ પાસ કરી દેવાશે. આ વિઝાના આધારે પ્રવાસી 90 દિવસ સુધી દુબઈમાં રોકાઈ શકશે અને પ્રવાસના મહત્તમ સમયને 180 દિવસ સુધી વધારી શકાશે.


