એલસીબી-એસઓજી બ્રાંચમાંથી ચાર-ચાર પોલીસકર્મીઓની બદલી કરી તે પૈકી ચાર કર્મીઓને હેડક્વાર્ટરમાં મુકયા
ગીર સોમનાથ જીલ્લામાંથી સામે આવેલા ચેકપોસ્ટ તોડકાંડ, અબળા મહિલા ઉપર દુષ્કર્મ અને જવાબદાર પોલીસકર્મી દ્વારા દારૂની હેરાફેરીને લઈ હપ્તા લેવાતા હોવાના બુટલેગરના વાયરલ થયેલા આક્ષેપોના વિડીયો જેવા પ્રકરણોના લીધે જીલ્લા પોલીસની આબરૂ દાગદાર બની રહી હતી. જેની ગંભીરતાથી નોંધ લઈ પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં પીઆઈ, પીએસઆઈઓની આંતરીક બદલીઓ કરવાની સાથે એલસીબી અને એસઓજી બ્રાન્ચમાંથી આઠ કર્મીઓ ઉપરાંત જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તૈનાત 100 થી વધુ પોલીસકર્મીઓની બદલીઓનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા થોડા સમય દરમ્યાન એક પછી એક આવેલા ચર્ચાસ્પદ પ્રકરણોના લીધે જીલ્લા પોલીસની આબરૂ દાવ ઉપર લાગી છે. ત્યારે જીલ્લા પોલીસમાં ઉપરથી નીચે સુધી તમામ સ્તરે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સામુહિક બદલીના જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આદેશો કર્યા છે. જેમાં એલસીબી પીઆઈ એમ.એન. રાણાની ઉના પીઆઈ તરીકે, એસઓજી પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાની એલસીબીમાં બદલી કરી પીઆઈનો ચાર્જ આપ્યો છે. ઉના પીઆઈ વી.એન.રબારીને વેરાવળ સીટીમાં, પીઆઈ જે.એન.ગઢવી ની એસઓજી પીઆઈ તરીકે, એલસીબી પીએસઆઈ વી.કે.ઝાલાની એસઓજી બ્રાંચમાં, PSI વોરાની LCB માં બદલી કરી છે.
આ ઉપરાંત એલસીબી બ્રાંચમાં ફરજ બજાવતા નરેન્દ્ર પટાટ, પ્રવિણ મોરી, ઉદેસિંહ પ્રતાપસિંહની હેડક્વાર્ટરમાં જયારે પ્રફુલ જેસીંગભાઈની કોડીનાર ખાતે બદલી કરવામાં આવી છે. તો એસઓજી બ્રાંચમાંથી ગોવિંદ વંશ, નરવણસિંહ ગોહિલની એલસીબીમાં, સુભાષ ચાવડાની હેડક્વાર્ટરમાં અને ઈબ્રાહીમશા બાનવાની વેરાવળ સીટીમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વેરાવળ, પ્રભાસપાટણ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ગીરગઢડા અને ઉના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 100 થી વધુ પોલીસકર્મીઓની આંતરીક બદલીઓના આદેશો કરવામાં આવ્યા છે. જીલ્લા પોલીસવડાએ સામુહિક બદલીના આદેશો કરી પોલીસકર્મીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પોલીસની આબરૂને બટ્ટો લાગતી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હશો તો તેનું સજારૂપી ફળ મળશે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.