- રાજસ્થાનના જયપુરની ધો.7ની દીકરીઓએ પીએમ મોદીને કરી આજીજી
- “મમ્મી પપ્પાથી દૂર રહીને અમને નથી ગમતું અને ભણવામાં પણ મન નથી લાગતું”
- અમારે મમ્મી-પપ્પા સાથે રહેવું છે અને તેમનું નામ ઉજળું કરવું: દીકરીઓ
કેટલીક શોધ દર્શાવે છે કે નાની ઉંમરમાં માતા-પિતા વગર રહેવું બાળકોની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ઘણા માતા-પિતા નાના શહેરોમાં કે ગામોમાં પોસ્ટિંગ થતાં બાળકોને પરિવારના લોકો જોડે મૂકીને માત્ર એટલા માટે ભણાવતા હોય છે કારણ કે તેઓ સારી જગ્યાએ ભણી શકે. મજબૂરીમાં તેમણે નોકરી માટે એક શહેરથી બીજા શહેર જવું પડતું હોય છે. એવામાં બાળકો પોતાના મમ્મી પપ્પાને ખૂબ જ મિસ કરતાં હોય છે અને એ જ વિચારતા હોય છે કે ક્યારે તેમના મમ્મી પપ્પા તેમની પાસે આવીને રહેશે, કેટલા દિવસ સુધી સગા-વ્હાલાઓઓના ઘરે રહેવું પડશે. આવી જ કઈક વાત જયપુરમાં રહેતી બે દીકરીઓ અર્ચિતા અને અર્ચનાની છે. બંને બહેનો પોતાના માતા-પિતાની સાથે રહીને ભણવા માંગે છે, પરંતુ તેમ નથી થઈ શકતું. અને આ દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક લાગણીસભર પત્ર લખ્યો છે.
દીકરીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર
અર્ચિતા અને અર્ચના પણ ઈચ્છે છે કે તેમના પિતા જયપુર આવીને તેમની સાથે રહે, એટલા માટે બંને બહેનોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું છે, માનનીય પ્રધાનમંત્રી મોદીજી, મારુ નામ અર્ચિત છે અને મારી બહેનનું નામ અર્ચના છે. અમારી ઉંમર 12 વર્ષની છે. અમે બંને દિલ્હી પબ્લિક સ્કૂલ બાંદીકૂઈમાં ધોરણ 7ની વિદ્યાર્થિનીઓ છીએ. અમે બંને અમારા કાકા-કાકીની સાથે રહીએ છીએ. અમારા પપ્પાનું નામ દેવપાલ મીના અને મમ્મીનું નામ શ્રીમતી હેમલતા કુમારી મીના છે. અમારા પિતા પંચાયત સમિતિ ચૌહાટનમાં સહાયક લેખાધિકારીના પદ પર કામ કરે છે અને મમ્મી રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, દેવડા બ્લોક, સમદડી (બાલોતરા)માં માધ્યમિક (લેવલ-2 વિષય-હિન્દી)ના પદ પર કામ કરે છે.
પીએમ યોજનાઓનો પણ કર્યો ઉલ્લેખ
પત્રમાં બંને દીકરીઓ આગળ લખે છે કે અમે બંને બહેનો અમારા મમ્મી-પપ્પાની ખૂબ જ યાદ આવે છે અને તેમના વગર અમને ભણવાનું પણ ગમતું નથી. અમે ઈચ્છીએ છીએ કે અમારા મમ્મી-પપ્પાની બદલી જયપુર રાજસ્થાન થઈ જાય. અમે પણ જયપુર અમારા મમ્મી-પપ્પાની સાથે રહેવા માંગીએ છીએ અને ત્યાં ભણવા માંગીએ છીએ. અમે તમારા અભિયાન જેવા કે બેટી બચાઓ બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે અંગે સાંભળ્યું છે અને જોઈ છે. અને અમને તેનાથી ખૂબ જ પ્રેરણા મળી છે. અમારે પણ અમારા મમ્મી-પપ્પા સાથે રહેવું છે અને તેમનું નામ ઉજળું કરવું છે. કૃપા કરીને અમારા મમ્મી-પપ્પાની બદલી જગતપુર, જયપુર કરી આપો. અમે તમારા ખૂબ જ આભારી રહીશું.” પત્ર બાદ બંને દીકરીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીને પોતાનું નામ પણ લખ્યું.

સાથે જ બનાવ્યું કરુણાસભર ચિત્ર
દીકરીઓ ઈચ્છે છે કે તેમના પપ્પાની બદલી જયપુર કરી દેવામાં આવે જેથી તેમનો આખો પરિવાર સાથે રહી શકે. પીએમ મોદી સુધી આ પત્ર પહોંચ્યો છે કે નહીં તેની તો હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પત્રની સાથે બંને દીકરીઓએ તેમના મમ્મી પપ્પાના અને પોતાના ચિત્રો પણ દોર્યાં અને ચિત્રોના માધ્યમથી જણાવ્યું કે તેઓ તેમના મમ્મી પપ્પાથી કેટલા કિલોમીટર દૂર રહે છે. ચિત્ર મુજબ દિકરીઓના પપ્પા ચૌહટનમાં રહે છે અને તેમનાથી 130 કિલોમીટર દૂર તેમની મમ્મી સમદડીમાં રહે છે. તેમનાથી 646 કિલોમીટર દૂર જયપુરમાં બંને દીકરીઓ રહે છે.


