- મુંબઇ અને તામિલનાડુની મેચમાં ઐયર ઉપર નજર
- મુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર રહેશે
- વિદર્ભે વીસીએ સ્ટેડિયમ ખાતે વર્તમાન સિઝનની ચાર મેચ રમી છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે
મુંબઇ : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય બેટ્સમેન શ્રેયર ઐયર તામિલનાડુ સામે શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ દ્વારા 41 વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઇની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પુનરાગમન કરશે ત્યારે તેનો ટાર્ગેટ પોતાની ઉપયોગિતા સાબિત કરવાનો રહેશે. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ઐયરે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ રમવાનું ટાળ્યું હતું જેના કારણે બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડયો હતો. ગ્રોઇનની ઈજામાંથી તે મુક્ત થઈ ચૂક્યો છે. તામિલનાડુના સ્પિન એટેક સામે મુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર રહેશે. સુકાની સાઈ કિશોર 47 તથા અજિત રામ 41 વિકેટ હાંસલ કરી ચૂક્યા છે. મુંબઇ માટે સુકાની અજિંક્ય રહાણેને બાદ કરતાં તમામ બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવ્યા છે. રહાણે છ મેચમાં માત્ર એક જ અડધી સદી નોંધાવી શક્યો છે. મુંબઇનો એક પણ બોલર ટોપ-10માં નથી. મોહિત અવસ્થી 32 વિકેટ સાથે 12મા ક્રમાંકે છે. મુંબઇએ ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે પ્રથમ દાવની લીડના આધારે અંતિમ-4માં પ્રવેશ કર્યો હતો. મુંબઇ માટે મુશીર ખાને અણનમ 203 બનાવ્યા હતા. તેના 10મા તથા 11મા ક્રમાંકના બેટ્સમેન તનુષ કોટિયાન તથા તુષાર દેશપાંડેએ પણ સદી નોંધાવી હતી. તામિલનાડુએ ગયા વર્ષની ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમને હરાવી હતી. જગદીશને 821 રન બનાવ્યા છે અને તે તામિલનાડુની બેટિંગનો આધારસ્તંભ બન્યો છે. મુંબઇના પૃથ્વી શૉ, શાર્દુલ ઠાકુર તથા શમ્સ મુલાની ઉપર પણ મોટો મદાર રહેશે.
નાગપુરમાં મજબૂત વિદર્ભ સામે મધ્યપ્રદેશ ટકરાશે
નાગપુર : મધ્યપ્રદેશની ટીમ શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ માટે વિદર્ભ સામે મેદાનમાં ઊતરશે ત્યારે આત્મવિશ્વાસથી સભર યજમાન વિદર્ભને તેના ઘરઆંગણે હરાવવી આસાન રહેશે નહીં. બે વખતની ચેમ્પિયન વિદર્ભે વીસીએ સ્ટેડિયમ ખાતે વર્તમાન સિઝનની ચાર મેચ રમી છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે. સૌરાષ્ટ્ર સામે તેનો પરાજય થયો હતો. વિદર્ભની તાકાત તેના બેટ્સમેનોનું શાનદાર ફોર્મ રહ્યું છે. સિઝનમાં કરુણ નાયરે 515, ધ્રુવ શોરેએ 496 તથા સુકાની અક્ષય વાડકરે 452 રન બનાવ્યા છે. નાગપુરની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી રહી હોવા છતાં વિદર્ભના બે બોલર પેસર આદિત્ય ઠાકરે તથા સ્પિનર આદિત્ય સરવટેએ સંયુક્ત રીતે 68 વિકેટ હાંસલ કરી છે. બીજી તરફ 2022ની ચેમ્પિયન મધ્યપ્રદેશની ટીમે આઠ લીગ મેચમાં ત્રણ વિજય મેળવ્યા છે અને બાકીની મેચોમાં પ્રથમ દાવની સરસાઈના આધારે પોઇન્ટ્સ મેળવ્યા હતા. આંધ્રપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પણ પરાજયના દ્વારે પહોંચ્યા બાદ વિદર્ભની ટીમે ચાર રનથી વિજય હાંસલ કર્યો હતો. વેંકટેશ ઐયર ઉપર તમામની નજર રહેશે જેણે 528 રન બનાવ્યા છે. હિમાંશુ મંત્રીએ 513 તથા યશ દૂબેએ 510 રન બનાવ્યા છે. બોલિંગમાં કુમાર કાર્તિકેય સિઝનમાં 38 વિકેટ ઝડપી ચૂક્યો છે. સ્પિનર સારાંશ જૈને 27 તથા પેસ બોલર કુલવંત ખેજરોલિયાએ 26 વિકેટ હાંસલ કરી છે.


