- ગાઝામાં લોકો ભૂખથી મરી રહ્યા છે: કમલા હેરિસ
- ઈઝરાયેલે રવિવારે કૈરોમાં ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોનો બહિષ્કાર કર્યો હતો
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી યુદ્ધ યથાવત્
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે. ત્યાંની સ્થિતિ ખૂબ જ ભયાનક અને આપણી માનવતા વિરુદ્ધ છે. મળતી માહિતી અનુસાર, કમલા હેરિસે ઈઝરાયલને ગાઝામાં માનવતાવાદી બરબાદીને ઘટાડવા માટે પૂરતા પગલાં લેવા જણાવ્યું હતું. તેણે આ માટે ઈઝરાયેલને પણ જવાબદાર ગણાવ્યું હતું.
હેરિસે કહ્યું કે ગાઝામાં લોકો ભૂખથી મરી રહ્યા છે. પરિસ્થિતિઓ અમાનવીય છે અને આપણી માનવતા આપણને કહે છે કે આપણે લોકો માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઈઝરાયેલ સરકારે મદદ માટે આગળ આવવું જોઈએ અને આને ઝડપી બનાવવા માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ.
કમલા હેરિસે તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી અને હમાસને બદલામાં તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું હતું. હેરિસે કહ્યું કે હમાસ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ ઇચ્છે છે. વાટાઘાટો ટેબલ પર છે અને હવે હમાસે સંમત થવાની જરૂર છે.
અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું કે ઈઝરાયલે તેની સરહદો ખોલવી જોઈએ અને સહાય વિતરણ પર બિનજરૂરી નિયંત્રણો લાદવા જોઈએ નહીં. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયલે માનવતાવાદી સહાય પૂરી પાડતા કર્મચારીઓ અને કાફલાને નિશાન બનાવવું જોઈએ નહીં. ઈઝરાયેલે પાયાની સેવાઓ ફરી મેળવવા અને વ્યવસ્થા વધારવા માટે કામ કરવું જોઈએ જેથી વધુ ખોરાક, પાણી અને બળતણ જેમને તેની જરૂર હોય તેઓ સુધી પહોંચી શકે.
અમેરિકાએ શનિવારે તેની પ્રથમ રાહત સેવા ગાઝામાં પહોંચાડી હતી. હેરિસ સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે ઈઝરાયેલી યુદ્ધ કેબિનેટના સભ્ય બેની ગેન્ટ્ઝને મળવાની સંભાવના છે, જ્યાં તે બેની ગેન્ટ્ઝને સીધો સંદેશ આપી શકે છે. મળતી માહિતી અનુસાર, હમાસે હજુ પણ બંધકોના નામોની સંપૂર્ણ યાદીની માંગને નકારી કાઢ્યા પછી ઈઝરાયેલે રવિવારે કૈરોમાં ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોનો બહિષ્કાર કર્યો હતો.


