- નેશવિલેમાં એક સિંગલ એન્જિન વાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત
- પોલીસના જણાવ્યા મુજબ પ્લેનમાં સવાર તમામના મોત
- પાયલટે માંગી હતી ઇમરજન્સી લેન્ડિંગની અનુમતિ
અમેરિકાના ટેનેસીના નેશવિલેમાં એક આંતરરાજ્ય હાઇવે પાસે સોમવારે એક સિંગલ એન્જિન વાળું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ નાના વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. વિમાન જોન સી. ટ્યૂન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાના પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ તે આખરે ઇન્ટરસ્ટેટ હાઇવે 40 પાસે ક્રેશ થઈ ગયું.
રિપોર્ટ મુજબ, પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું કે પ્લેન એરપોર્ટ પર નહીં પહોંચી શકે. ત્યારબાદ, પ્લેન હાઈવે નજીક ક્રેશ થયું. પ્લેન જમીન પર પડતાંની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. મેટ્રો નેશવિલ પોલીસના પ્રવક્તા ડોન એરોને જણાવ્યું હતું કે પાયલોટે જ્હોન સી. ટ્યુન એરપોર્ટ પર સાંજે લગભગ 7:40 વાગ્યે ઈમરજન્સી કોલ કર્યો હતો. એન્જિનમાં ખરાબીની જાણકારી આપી હતી અને ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે થોડા સમય બાદ પાયલટે રેડિયો પર કહ્યું કે પ્લેન એરપોર્ટ પર નહીં પહોંચી શકે.
વિમાનમાં સવાર તમામ લોકોના મોત
પ્લેન હાઇવે 40ની પાસે એક ઘાસના મેદાનમાં ક્રેશ થયું અને જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટના એરપોર્ટથી લગભગ 3 માઈલ દૂર દક્ષિણમાં થઈ હતી. પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે એવું લાગે છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થઈ ગયા છે. તેમણે કહ્યું કે પીડિતોનો ચોક્કસ આંકડો હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. અધિકારી હાલ એ વાતની તપાસ કરી રહ્યા છે કે વિમાન ક્યાંથી આવી રહ્યું હતું.
જમીન પર નથી થયું કોઈ નુકસાન
નેશવિલે ફાયર વિભાગના પ્રવક્તા કેંડ્રા લોનીએ જણાવ્યું હતું કે આંતરરાજ્ય હાઇવે પર કોઈ ડ્રાઇવરને ઈજા નથી થઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમીન પરના કોઈ વાહનો કે ઈમારતોને પણ નુકસાન નથી થયું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અકસ્માતની તપાસ કરશે. પોલીસે જણાવ્યું કે હાઈવે 40 પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.


