- ગાઝા અને ઇઝરાયેલ યુદ્ધવિરામની ચર્ચાઓ વચ્ચે પોતપોતાની હઠ પકડીને બેઠા છે
- ગાઝામાં પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં વધારે સહાયતા નહીં આપવા માટે કશું બહાનું નથી
- રમઝાન સુધી યુદ્ધ ચાલુ રહે તો તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા પાંચ મહિના કરતાં વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ચેતવણી આપતી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, જો રમઝાન સુધીમાં યુદ્ધવિરામ સમજૂતી નહીં થાય, તો, ખરાબમાં ખરાબ સ્થિતિ થશે. હાલના સમયે કાહિરામાં યુદ્ધવિરામસંબંધી વાતચીત ચાલી રહી છે. કહેવાય છે કે યુદ્ધવિરામ માટે ઇઝરાયેલે હમાસ સામે કેટલીક શરતો મૂકી છે, તેથી હવે સમજૂતીનો બધો આધાર હમાસ પર છે કે તે ઇઝરાયેલની શરતોનો સ્વીકાર કરે છે કે નહીં.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે એમ કહેતાં આ ચેતવણી ઉચ્ચારી હતી કે તે વાત હમાસ પર નિર્ભર છે કે તે એક સમજૂતીનો સ્વીકાર કરે. ગાઝામાં બીજી વાર સહાયતા આપવા બાબતે બાઇડેને પોતાના સહયોગી ઇઝરાયેલને પણ એમ કહ્યું કે પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં વધારે સહાયતા નહીં આપવા માટે કશું બહાનું નથી. ગાઝા અને ઇઝરાયેલ પોતપોતાની હઠ પકડીને બેઠા છે એવા સમયે અમેરિકન રાષ્ટ્રપતિએ આ ટિપ્પણી કરી છે. મેરિલેન્ડની પહાડીઓમાં કેમ્પ ડેવિડ પ્રેસિડેન્શિયલ રિટ્રીટથી વ્હાઇટ હાઉસ પાછા ફરતાં બાઇડેને પત્રકારોને કહ્યું કે, હવે બધું હમાસના હાથમાં છે. ઇઝરાયેલી સહયોગ કરી રહ્યા છે. યુદ્ધવિરામનો પ્રસ્તાવ તર્કસંગત છે. આપણને થોડા દિવસોમાં ખબર પડી જશે, પણ આપણને યુદ્ધવિરામની જરૂર છે. તેમણે કહ્યું કે, રમઝાન આવવાનો છે તેથી યુદ્ધવિરામ થવો જોઈએ. જો સ્થિતિ એવી ઊભી થાય કે રમઝાન સુધી યુદ્ધ ચાલુ રહે તો તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 10 કે 11 માર્ચે રમઝાન શરૂ થવાનો છે.
ઇઝરાયેલે પ્રતિનિધિમંડળ નથી મોકલ્યું
ઇઝરાયેલે થોડા દિવસ પહેલાં ગાઝા યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરાવવા અંગેની વાતચીત કરવા માટે પોતાનું એક પ્રતિનિધિમંડળ કાહિરા નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો. ઇઝરાયેલે આ નિર્ણય એવા સમયે લીધો હતો જ્યારે હમાસે તેની બે માગણીઓ માન્ય ન કરી. જેમાં, પહેલી માગમાં ઇઝરાયેલે બંધકોની યાદી માગી હતી, જેમાં હમાસે એ જણાવવાનું હતું કે કેટલા બંધક જીવિત છે અને કેટલા મૃત્યુ પામ્યા છે. બીજી માગણી એ હતી કે બંધકોના બદલામાં ઇઝરાયેલની જેલોમાંથી છૂટનારા પેલેસ્ટિનિયન કેદીઓના ગુણોત્તરની પુષ્ટિ કરવી.


