- PM મોદીની રેલીમાં 2 લાખ લોકો આવશે
- કલમ 370 હટાવ્યા બાદ પીએમ પહેલી વાર કાશ્મીરની મુલાકાતે
- સ્ટેડિયમ બહાર ચુસ્ત સુરક્ષા, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો
7 માર્ચે એટલે કે આજે ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમમાં PM મોદી હાજરી આપશે, PM મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ વિકાસ કાર્યો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 6400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના ઉદ્ઘાટનની સાથે શ્રીનગરમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્યાં યોજાશે કાર્યક્રમ
તેમનો કાર્યક્રમ કાશ્મીરના બક્ષી સ્ટેડિયમમાં યોજાશે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વને આશા છે કે આ મુલાકાત મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં પાર્ટીની સંભાવનાઓને મજબૂત કરશે, જ્યાં પાર્ટી દક્ષિણ કાશ્મીરમાં લોકસભા સીટ પર નજર રાખીને પ્રથમ વખત પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે.
કેવી છે પીએમ મોદીના આગમનને લઈને સુરક્ષા તૈયારીઓ
શ્રીનગરના નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે તો સાથે જ સ્ટેડિયમની બહાર 24 કલાક પહેલાથી જ બેરિકેડિંગ કરી દેવાયું છે. ઝેલમ નદી અને દલ લેક પર સમુદ્રી કમાન્ડો તૈનાત છે તો સાથે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ કાશ્મીરમાં તૈનાત કરી દેવાયા છે. સતત નજર રાખવા ડ્રોન અને CCTV કેમેરાનો ઉપયોગ થયો છે. કાર્યક્રમ સ્થળના બે કિ.મીના વિસ્તારમાં જડબેસલાક વ્યવસ્થા છે. સુરક્ષાકર્મીઓની 2 કિ.મી વિસ્તારમાં પગપાળા માર્ચ ચાલુ રહેશે. શ્રીનગરમાં ડ્રોન ઉડાડવા પર પણ લગાવાયો પ્રતિબંધ મૂકાયો છે. તો સાથે જ શ્રીનગરમાં અનેક શાળાઓ પણ બંધ રખાઇ અને સાથે આજથી શરૂ થનારી પરીક્ષાઓ પણ અટકાવી દેવાઇ છે.
PM મોદીની રેલીમાં 2 લાખ લોકો આવશે
ભાજપના પ્રદેશ પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કહ્યું, અમારા માટે, નરેન્દ્ર મોદીની હાજરી અમારા કાર્યકરો માટે એક મોટું પ્રોત્સાહક હશે. વિકાસલક્ષી પરિયોજનાઓ ઉપરાંત, એવી પૂરી સંભાવના છે કે તે કાશ્મીરના લોકોને કોઈ સારા સમાચાર આપશે. આ સિવાય પાર્ટીના સ્થાનિક એકમના અધ્યક્ષ રવેન્દ્ર રૈનાએ કહ્યું કે રેલીમાં બે લાખ લોકો ભાગ લેશે. તેમણે કહ્યું, “આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમે અમારા સેંકડો કાર્યકરોને તૈનાત કર્યા છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં PM મોદી જમ્મુ અને કાશ્મીરમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડના એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદીએ ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે, હું 7મી માર્ચે શ્રીનગરમાં ‘વિક્ષિત ભારત, વિક્ષિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેવા આવીશ. વિવિધ વિકાસ કાર્યો પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. કૃષિ-અર્થતંત્રને વેગ આપવા સંબંધિત 5000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે. PMએ જણાવ્યું હતું કે, તેઓ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ રૂ. 1,400 કરોડથી વધુની કિંમતના પ્રવાસન ક્ષેત્ર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં ‘હઝરતબલ તીર્થધામનો સંકલિત વિકાસ’ પણ સામેલ છે.
પ્રવાસન ક્ષેત્રના 52 પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે વડાપ્રધાન પ્રવાસન ક્ષેત્રના 52 પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરશે. નિવેદન અનુસાર, વડાપ્રધાન ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ’ અને ‘ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા કેમ્પેઈન’ પણ લોન્ચ કરશે. PMOએ કહ્યું કે, તે ચેલેન્જ બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (CBDD) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની પણ જાહેરાત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન જમ્મુ અને કાશ્મીરના લગભગ 1,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. આ લાભાર્થીઓમાં મહિલા સિદ્ધિઓ, લખપતિ દીદી, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરેનો સમાવેશ થાય છે.


