- લોકસભા ચૂંટણી 2024ને લઈને દેશભરમાં રાજકીય અટકળો તેજ
- નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે 15 માર્ચે બેઠક યોજાશે
- આ વખતે 7 થી 8 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી
લોકસભા ચૂંટણી ઉપરાંત ઓડિશા, જમ્મુ અને કાશ્મીર અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા છે. ચૂંટણી પંચે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એવી અપેક્ષા છે કે તારીખો 15 માર્ચ પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
શુક્રવારે 8 માર્ચે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા બાદ હવે બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ખાલી છે. હવે આ પદો પર નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15 માર્ચે બેઠક યોજવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની આગેવાની હેઠળની પેનલ ચૂંટણી કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે 15 માર્ચે સાંજે 6 વાગ્યે બેઠક કરશે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને દેશભરમાં રાજકીય અટકળો તેજ થઇ રહી છે. રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. દરમિયાન ચૂંટણી પંચે પણ તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભા ચૂંટણીને લઈને બેઠકોનો રાઉન્ડ 12 માર્ચ સુધીમાં સમાપ્ત થશે, એવી અપેક્ષા છે કે તે પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે પંચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.
23 મેના રોજ પરિણામ જાહેર
2019માં લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી. પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે બાળકોની પરીક્ષાઓ, સુરક્ષા કર્મચારીઓની ઉપલબ્ધતા અને તહેવારો વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે. આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે લગભગ 97 કરોડ મતદારો મતદાન કરશે. 2019ની લોકસભા ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું.


