- સુધારેલા કાયદામાં CJIની બાદબાકી કરી કેબિનેટ મંત્રીને સામેલ કરાયા છે
- નવો કાયદો ન બને ત્યાં સુધી સમિતિમાં પીએમ, વિપક્ષના નેતા અને CJI રહેશે : SC
- ચૂંટણી કમિશનર અરુણ ગોયલના અચાનક રાજીનામાથી દેશમાં ચર્ચા છે
મુખ્ય ચૂંટણી (CEC) કમિશનર અને ચૂંટણી કમિશનરો (EC)ની નિયુક્તિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરાવીને નવી જોગવાઈઓ અનુસાર CEC અને ECની નિયુક્તિ કરતાં સરકારને રોકવાની માગણી કરવામાં આવી છે. સાથે જ, અરજીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠના નિર્ણય અનુસાર ચૂંટણી પંચના સભ્યોની નિયુક્તિના નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલના અચાનક રાજીનામાથી દેશમાં ચર્ચા છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે કેન્દ્રના નવા કાયદાને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 15 માર્ચે બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ થવાની સંભાવના છે. પસંદગી સમિતિ સભ્યોની ઉપલબ્ધિ પ્રમાણે 13 કે 14 માર્ચે એક બેઠક યોજશે. કેન્દ્રીય કાયદામંત્રી રામ મેઘવાલના નેતૃત્વમાં એક સમિતિ, જેમાં ગૃહવિભાગ અને કર્મચારી અને તાલીમ વિભાગના કેબિનેટ સચિવ સામેલ હશે, બંને પદ માટે પાંચ પાંચ નામોની બે અલગ અલગ પેનલ તૈયાર કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી એક પસંદગી સમિતિ, જેમાં એક કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી સામેલ હશે, રાષ્ટ્રપતિ દ્વારા સત્તાવાર નિયુક્ત કરાતાં પહેલાં ચૂંટણી કમિશનર તરીકે બે વ્યક્તિઓનાં નામ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટે નવા કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો
13 ફેબ્રુઆરીએ CEC અને ECની નિયુક્તિ બાબતે સુપ્રીમ કોર્ટે ફરીથી નવા કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, નવી અરજી બાબતે કેન્દ્રને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો અને આ કેસને અગાઉથી પેન્ડિંગ કેસો સાથે જોડી દેવામાં આવ્યો હતો. આ અરજી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દાખલ કરી હતી.


