- બંગાળમાં મમતા અને તેમના ભાઈ વચ્ચે વિખવાદ
- હાવરા બેઠકના ઉમેદવાર સામે બાબુને વાંધો ઉઠાવતા બંનેના સંબંધ બગડયા
- બાબુન બેનરજી ખેલજગતનું મોટું નામ છે અને પ્રસૂન બેનરજી ફૂટબોલર છે
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના ભાઈ બાબુન બેનર્જી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. તેમના ભાઈ બાબુને આગામી લોકસભાની તૃણમૂલ કોંગ્રેસની હાવડા લોકસભા સીટ પર પ્રસૂન બેનર્જીને ઉમેદવાર તરીકે પસંદ કરવા બાબતે વાંધો દર્શાવ્યો તેથી મમતા બેનર્જીએ આ પગલું ભર્યું છે. મમતા બેનર્જીએ કહ્યું, મારો પરિવાર અને હું બાબુન સાથેના બધા સંબંધો સમાપ્ત કરીએ છીએ.
મમતા બેનર્જીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, દર વખતે ચૂંટણી પહેલાં તેઓ પરેશાની ઊભી કરે છે. મને લાલચુ લોકો પસંદ નથી અને હું પરિવારવાદના રાજકારણમાં માનતી નથી, તેથી મેં ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપી. મેં નક્કી કર્યું છે કે હું તેમની સાથેના બધા સંબંધો કાપી નાખું છું.
બુધવારે સાંજે બાબુન બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હાવડા લોકસભા સીટ પર ઉતારાયેલા ઉમેદવાર પ્રસૂન બેનર્જીની ટીકા કરતાં કહેલું કે, હું તેમની ઉમેદવાર તરીકેની પસંદગીથી ખુશ નથી. પ્રસૂન બેનર્જી તેના માટે યોગ્ય ઉમેદવાર નથી. ઘણા યોગ્ય ઉમેદવાર હતા, જેમને નજરઅંદાજ કરવામાં આવ્યા. તેમણે કહ્યું, પ્રસૂને મારું જે અપમાન કર્યું છે તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. ઉલ્લેખનીય છે કે પ્રસૂન બેનર્જી હાવડા સીટ પરથી ત્રણ વખત જીતી ચૂક્યા છે.
અપક્ષ ઉમેદવાર બનવાની તૈયારી આટલું જ નહીં, બાબુન બેનર્જીએ કહ્યું કે તેઓ પણ આ સીટ પરના સંભવિત ઉમેદવાર હોઈ શકતા હતા અને આકરો પ્રહાર કરતાં તેમણે સૂચન કર્યું કે તેઓ મતદાતાઓ માટે સ્વતંત્ર વિકલ્પ તરીકે આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું કે દીદી મારી વાતો સાથે સહમત નહીં થાય, પણ જો જરૂર પડી તો હું હાવડા લોકસભા સીટ પર સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
પ્રસૂન બેનરજી ફૂટબોલર છે. તે અર્જુન પુરસ્કાર પણ જીતી ચૂક્યો છે. પ્રસૂન હાવડા બેઠક પરથી ત્રણવાર લોકસભામાં જઈ ચૂક્યા છે. બાબુન ઉર્ફે સ્વપન બેનરજી પણ ખેલ જગતમાં જાણીતું નામ છે. તે બંગાળ ઓલિમ્પિક એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી છે અને તૃણમુલ કોંગ્રેસના રમત-ગમત વિભાગના વડા છે. પ્રસૂન બેનરજી સાથે બાબુનને રમત-ગમતને લઈને જ વિખવાદ થયો હોવાનું મનાય છે. જો કે બાબુને તેઓ પ્રસૂન બેનરજીનો શા માટે વિરોધ કરી રહ્યા છે. તે અંગે ખૂલીને કંઈ જણાવ્યું નથી. બાબુને પોતે પણ તેઓ ભાજપમાં જોડાવાની વાતને નકારી કાઢી હતી.


