- મોરિશિયસના પવિત્ર હિન્દુ સ્થળ ગંગા તળાવના પુનર્વિકાસમાં મદદ કરાશે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પણ પાઠવી
- મોરિશિયસના નાગરિકોને તેમના પૂર્વજોની ભૂમિ સાથે ફરીવાર જોડવા માટે આ પગલું ભર્યુ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મોરિશિયસમાં ભારતીય મૂળની સાતમી પેઢીના લોકોને ભારતની વિદેશી નાગરિકતા (ઓઆઇસી) કાર્ડ આપવા માટે એક વિશેષ જોગવાઇને મંજૂરી આપી હતી. ભારતીય મૂળના મોરિશિયસના નાગરિકોને તેમના પૂર્વજોની ભૂમિ સાથે ફરીવાર જોડવા માટે આ પગલું ભર્યુ છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ આ જાહેરાત કરી હતી. ભારત સરકાર પવિત્ર ગંગા તાલાબ પરિસરને ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટનના કેન્દ્રના રૂપમાં પુનર્વિકસિત કરવામાં મોરિશિયસ સરકારનું સમર્થન કરશે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય સમાન સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે સન્માન દર્શાવે છે.
યુપીઆઈ, રુપે કાર્ડથી ચુકવણીની પણ શરૂઆત
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં આપણા વડાપ્રધાનોએ ભારત અને મોરિશિયસમાં યુપીઆઇ અને રુપે કાર્ડ વડે ચુકવણીની સિસ્ટમ શરૂ કરી છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ છ સામુદાયિક પ્રોજેક્ટ્સની સાથે એક એર સ્ટ્રીપ અને એક જેટીનું પણ ઉદઘાટન કર્યુ હતું. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જેનરિક દવાઓનો સપ્લાય માટે નવા ઇનિશિયેટિવની જાહેરાત કરાઇ હતી.
રાષ્ટ્રપતિ મુર્મૂને ડૉક્ટરેટની માનદ ડિગ્રી પ્રદાન કરાઇ
મોરિશિયસ યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ડૉક્ટરેટની માનદ ડિગ્રીથી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિને યુનિવર્સિટી તરફથી મંગળવારે ડૉક્ટરેટ ઓફ સિવિલ લૉની ડિગ્રીથી સન્માનિત કરાયા હતા.


