- દાવા અરજીનું ફોર્મ લેવા આવનાર લોકોને શુક્રવારે ધરમધક્કા થયા
- રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 48 ટકા વસ્તીને આવરી લેવાઈ હોવાનું બોર્ડ મરાયું
- કેન્દ્ર સરકારે વર્ષ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો પસાર કર્યો છે
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ દાવા અરજી કરી શકાય છે. જેમાં રેશનકાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ મળતુ થાય છે. પરંતુ જિલ્લાની 48 ટકા વસ્તીને આ યોજના હેઠળ આવરી લેવાઈ હોવાથી દાવા અરજીનો નિકાલ શકય નથી તેવુ બોર્ડ મુકાતા લોકોને ધરમધક્કા થયા હતા.
કેન્દ્ર સરકારે વર્ષ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો પસાર કર્યો છે. જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને સસ્તા ભાવે અનાજ મળી રહે છે. સુરેન્દ્રનગર કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે રેશનકાર્ડમાં અનાજ લેવા માટે અરજદારોએ દાવા અરજી કરવાની હોય છે. દાવા અરજી મંજુર થતા જ લોકોને અનાજ મળતુ થઈ જાય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી દાવા અરજીના ફોર્મ આપવામાં આવતા નથી કે, તેને માન્ય રાખવામાં આવતા નથી. જનસેવા કેન્દ્રની બારીએ જિલ્લામાં 48 ટકા વસ્તી આ કાયદા હેઠળ આવરી લેવાઈ હોવાથી હાલ દાવા અરજીના ફોર્મનો નીકાલ શકય નથી તેવુ બોર્ડ મારવામાં આવ્યુ છે. ત્યારે દર માસની 15મી તારીખે જ વિતરણ થતા આ ફોર્મ લેવા માટે તા. 15ને શુક્રવારે મોટી સંખ્યામાં લોકોએ સવારથી જ લાઈનો લગાવી હતી. અમુક લોકોએ તો પોતાના ચપ્પલ મુકીને લાઈન કરી હતી. પરંતુ આવુ બોર્ડ જોઈને તેઓને વીલા મોઢે પરત ફરવુ પડવુ પડયુ હતુ. આથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
લોકસભા ચૂંટણીમાં સસ્તા અનાજની દુકાને પીએમના ફોટાવાળી થેલી આપી પ્રચાર કરતી સરકારે ગરીબી રેખા તળેના લોકોને અનાજ મળી રહે તે માટે નિર્ણય લેવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી હતી.


