- અજાણ્યા તસ્કરો સામે દસ હજારના મુદ્દામાલની ફરિયાદ
- શાળાના મધ્યાહન ભોજન યોજનાના રૂમમાંથી તસ્કરો સિલીન્ડર પણ ઉપાડી ગયા
- 10 હજારની કિંમતના સામાન ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ
દહેગામ તાલુકાના નવા થાંભલીયા ગામે શાળામાં ચાલતા મધ્યાહન ભોજનના રુમ તથા આંગણવાડીના રુમના તાળા તૂટયા હતા. બંને રુમમાંથી ગેસના બે સિલિન્ડર, તેલનો ડબ્બો અને ચોખા, દાળનુ કટ્ટુ લઇને તસ્કર ફરાર થઇ ગયા હતા. 10 હજારની કિંમતના સામાન ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
કાંતીભાઇ શનાભાઇ પટેલ નવા થાંભલીયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલકની ફરજ બજાવે છે. ચોરીની જાણ થતા તેઓએ શાળામાં જઇને તપાસ કરી હતી. રુમનું તાળુ તુટેલુ હતુ અને અંદરનો સામાન વેરવિખેર પડયો હતો. તપાસ કરતાં ગેસનો ખાલી સિલિન્ડર, 20 કિલોનું ચોખાનુ કટ્ટુ તેમજ 20 કિલો ચણાની દાળનું કટ્ટુ ગૂમ હતું. બીજી તરફ પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં આવેલી આંગણવાડીના પણ તાળા તૂટયા હતા. જેમાંથી ભરેલો ગેસ સિલિન્ડર તથા સિંગતેલનો ડબ્બો ચોરાયો હતો. બંને રુમના તાળા તોડીને તસ્કરો કુલ 10 હજારનો સામાન ચોરી ગયા હતા. આ મામલે રખીયાલ પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. ઉલ્લેખનિય છે કે દહેગામ પંથકમાં આંગણવાડીમાંથી ગેસના બાટલા ચોરવાની અનેકવાર બુમો ઉઠી ચુકી છે.


