- ખરાબ હવામાન અને પાણીની અછતના પગલે ફળોની ઉત્પાદકતાને અસર થઇ
- કેરી, ચીકુ, કેળા, જામફ્ળ, બોર, પપૈયા સહિતના ફ્ળોમાં 3થી 21% ઉત્પાદન ઘટયું
- વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી
ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટયું છે. કેરી, ચીકુ, કેળા, જામફ્ળ, બોર અને પપૈયા સહિતના ફ્ળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફ્ળોનું કુલ ઉત્પાદન 92.65 લાખ ટન હતું જે 2022-23 આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને 82.91 લાખ ટન પહોચ્યું હતું.
બાગાયત વિભાગના આંકડા મુજબ કેરીના ઉત્પાદનમાં સૌથી વધુ 21.44%નો ઘટાડો થયો છે. કોરોના આવ્યા પછીના ચાર વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન 2020માં 12.22 લાખ ટન હતું જે 2023માં 9.6 લાખ ટન થયું હતું. તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન 3.10 લાખ ટનથી 17.09% ઘટીને 2.57 લાખ ટન રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020માં કેળાનું પ્રોડક્શન 46.27 લાખ ટન હતું. તેની સરખામણીએ 2023માં ઉત્પાદન 13.68% ઘટીને 39.94 લાખ ટન નોંધાયું હતું. આ ઉપરાંત જામફ્ળ, બોર, પપૈયાનું ઉત્પાદન આ ચાર વર્ષોમાં 3-7% જેટલું ઘટયું છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઘણા સમયથી શિયાળા દરમિયાન માવઠું પડે છે અને ગરમી પણ વધુ રહે છે, જેની કેરીના પાક પર વિપરીત અસર પડે છે. આ ઉપરાંત કેળામાં પણ પાણીની બહુ જરૂર રહે છે. આજે પણ કેળા પકવાતા હોય તેવા વિસ્તારોમાં વરસાદી પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. જાણકારો માને છે કે, ફ્રૂટ્સના ભાવમાં થતી મોટી વધઘટ પણ આ માટેનું મોટું કારણ છે. સારા ભાવ મળતા ન હોવાથી પણ ખેડૂતો અન્ય પાક તરફ્ વળ્યા છે.


