- ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ મુદ્દે વિદેશી વિદ્યાર્થી પર હુમલાનો વિવાદ
- આ પોલીસ ફરિયાદનો મુદ્દો છે, તમે પોલીસ પાસે જાવ : ચીફ જસ્ટિસ
- એડવોકેટ દ્વારા કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢવાના પ્રકરણમાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસમાં સુઓમોટો પીઆઇએલ દાખલ કરવા એક એડવોકેટ દ્વારા કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી હતી. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઠરાવ્યું હતું કે, આ કોઇ પીઆઇએલની મેટર નથી. આ મામલામાં પોલીસ તેની રીતે જોશે અને તપાસ કરશે. દરેક બાબતમાં કંઇ જાહેરહિતની રિટ અરજીની મેટર ગણી શકાય નહીં. આ વિષય પોલીસ તપાસનો છે. હાઇકોર્ટે એડવોકેટની માંગણી ફ્ગાવી દીધી હતી અને તેમને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
હાઇકોર્ટે જણાવ્યું કે, તમે પોલીસમાં જાઓ. આ પોલીસ ફરિયાદની વાત છે. અદાલતનું કામ PIની જેમ વર્તવાનું નથી. અરજદાર એડવોકેટ તરફ્થી પોલીસ દ્વારા કાયદો હાથમાં લેનારા તત્વો વિરુદ્ધ કાયદાકીય જોગવાઇ લાગુ કરવામાં નિષ્ફ્ળ ગઇ છે તેવો આક્ષેપ કરાયો હતો. સાથે સાથે જીએનએલયુમાં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીની ઘટનાઓને લઇ અખબારી અહેવાલના આધારે હાઇકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી, તેથી આ કેસમાં પણ હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લેવું જોઇએ. જો કે, હાઇકોર્ટે તેમની આ દલીલ ફ્ગાવતાં જણાવ્યું કે, મિસ્ટર કાઉન્સેલ, એ બિલકુલ અલગ વિષય હતો અને આ ઘટનાને તેની સાથે કોઇ લેવાદેવા નથી. આ ઘટના પીઆઇએલ દાખલ કરવા જેવી નથી.
ત્રણ આરોપીના દસ દિવસના રિમાન્ડ માંગ્યા, કોર્ટે ત્રણ દિવસ મંજૂર કર્યાં
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર આરોપી ભરત દામોદરભાઇ પટેલ, હિતેશ રાઘુભાઇ મેવાડા અને સાહીલ અરુણભાઇ દૂધકીયાને ગુજરાત યુનિવર્સિટી પોલીસે સદ્યન પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા. જયા ત્રણેય આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે. પચાલે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.


