- ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું
- ગાંધીનગરથી પ્રદેશ અધ્યક્ષનું તેડું આવતા ઈનામદારના તણખાં સમી ગયા
- ગણતરીના નવ કલાકમાં પ્રદેશ અધ્યક્ષ સાથેની બેઠકમાં સમી ગયો હતો
વડોદરાના સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને આજે મંગળવારે સવારથી જ તોફાને ચઢયાં હતાં અને તેમને મનાવવા અન્ય ધારાસભ્યો સાવલી દોડી ગયા હતા. કલાકો સુધી હાઈવોસ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલ્યો હતો અને આખરે ગાંધીનગરથી પ્રદેશ અધ્યક્ષનું તેડું આવતા ઈનામદારના તણખાં સમી ગયા હતા. સવારની ચાથી શરૂ કરેલો અદના કાર્યકર્તાઓના આત્માનો અવાજ ગણતરીના નવ કલાકમાં પ્રદેશ અધ્યક્ષ સાથેની બેઠકમાં સમી ગયો હતો.
તાજેતરમાં જ વડોદરાની લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રીપીટ કરવાનો પાર્ટીએ નિર્ણય લેતા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડયા ખુલ્લેઆમ મેદાને ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં શહેર ભાજપમાં ચાલતી જૂથબંધીને કારણે ફેલાયેલા અસંતોષની જ્વાળાઓ બહાર આવી હતી. હવે, જિલ્લા ભાજપમાં ચાલેલા ડખાઓને કારણે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને ઈમેલ કરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું.
વર્ષ 2020માં પણ કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે તેમણે રાજીનામુ પાછુ ખેંચી લીધું હતું. એ પછી આજે સવારથી કેતન ઈનામદાર તોફાને ચઢયા હતા. સવારે 7 કલાકથી તેમના સાવલીના કેતન ફાર્મના નિવાસ સ્થાને કાર્યકર્તાઓના ટોળા જામ્યા હતા. લોકસભાની સામી ચૂંટણીએ તેમણે ધારાસભ્ય પદેથી ઈ-મેઈલથી ફરી રાજીનામાની વાતથી મધ્ય ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પ્રદેશના મોવડીઓ અને ગૃહ રાજ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્યોએ કેતન ઈનામદારને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.
કેતને મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો કે, મારી વિધાનસભામાં કામો આચારસંહિતા પહેલા શરૂ થઈ જવા જોઈતા હતા. 2027માં હું વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી, મારા ડ્રીમ પ્રોજેક્ટનું મારા ટેન્યોરમાં જ લોકાર્પણ થાય તેવું હું ઈચ્છુ છું. ત્યારે કામો ડીલે થઈ રહ્યા છે. તેમજ સંગઠન ધારાસભ્યોને વિશ્વાસમાં લઈને નિર્ણય લે અને અદના કાર્યકર્તાઓનું માન- સન્માન જળવાવું જોઈએ. જે ન થતા મારૂ મન માનતું ન હતું. જેથી મારી અંતર આત્માના અવાજને માન આપીને મે રાજીનામું આપ્યું છે .
આ ઘટનાના રાજ્યભરમાં પડધા પડતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના આદેશથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવલી ખાતે દોડી ગયા હતા. એ પછી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા પણ સમજાવવા માટે દોડી ગયા હતા. તેમ છતાં કેતન ન માનતા તેમને ગાંધીનગરથી તેડું આવ્યું હતું.
બપોરે અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હકુભા જાડેજા ભેગા થઈને કેતન ઈનામદારને ગાંધીનગરના સી.આર. પાટિલના નિવાસ સ્થાને લઈ ગયા હતા. જ્યાં સી.આર. પાટિલ અને હર્ષ સંઘવી સાથે બે કલાક સુધી બેઠક બાદ કેતનના હાઈવોલ્ટેજ ડ્રામાના તણખાં સમી ગયા હતા. સાંજે 5 કલાકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ રૂબરૂમાં રાજીનામુ આપતા પૂર્વે જ કેતન ઈનામદારે યુ-ટર્ન મારીને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી હતી.


