- વિરોધી જૂથની દિલ્હીમાં રજૂઆતો, હાઈકમાન્ડ ખફા
- કોંગ્રેસના કોન્ટ્રાક્ટ ગુપ્તાની કંપની નક્કી કરતી, હવે કદ પ્રમાણે વેતરાશે
- હાઈકમાન્ડે સખ્ત નારાજગી વ્યક્ત કરી છે
કોંગ્રેસના અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા માટે ના પાડી દીધી છે, આ પીછેહટ કરવી પડી તેની પાછળનું કારણ ભાજપના નેતાઓ સાથેની ધંધાકીય દોસ્તી છે, ભાજપના નેતાઓ સાથેના બિઝનેસ હિતો સાચવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડના ઉમેદવાર બનાવવાના નિર્ણયને કોરાણે મૂક્યો હોવાની ફરિયાદો થઈ છે. એક વિરોધી જૂથે દિલ્હીમાં આ બાબતથી વાકેફ કર્યા છે, જેની લઈ હાઈકમાન્ડે સખ્ત નારાજગી વ્યક્ત કરી છે, એટલું જ નહિ પરંતુ પીછેહટ કરીને રોહન ગુપ્તાએ રીતસર રાજકીય આપઘાત કર્યો છે અને હવે આગામી સમયમાં પક્ષ કદ પ્રમાણે વેતરી નાખે તોય નવાઈ નહીં તેમ કોંગ્રેસના સૂત્રો કહે છે.
કોંગ્રેસના જ વર્તુળો ચૂંટણી લડવાનો ઈન્કાર કરનારા રોહન ગુપ્તા પર ગદ્દારીનું લેબલ લગાવી રહ્યા છે તો આ પૂર્વ ઉમદવાર એવો બચાવ કરી રહ્યા છે કે, મારા પિતા હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા તેમ છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી હતી, મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવાઓ લીધી છે. પરિવારને બચાવવા માટે ચૂંટણી ન લડવાનો મજબૂરીવશ નિર્ણય કર્યો હોવાનો પૂર્વ ઉમેદવારે બચાવ કર્યો છે. પિતાએ પક્ષમાંથી અચાનક રાજીનામું આપ્યું તે વિશે પણ કોઈ વાતચીત થઈ ન હોવાનો દાવો કરાયો છે. આ તરફ ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાજકુમાર ગુપ્તા લાંબા સમયથી અન્ય આગેવાનોને કહેતાં હતા કે મારો પુત્ર ચૂંટણી નહિ લડે. જો એવું જ હતું તો પુત્રએ શું કામ ટિકિટ મેળવી, પહેલેથી જ રેસમાંથી બહાર રહેવું જોઈતું હતું. આમાં તો પક્ષનું નીચાજોણું થાય છે. રોહનના પરિવારમાંથી એક વ્યક્તિ સૌરાષ્ટ્રના ભાજપના નેતા સાથે ભાગીદાર છે, ભાજપના અન્ય આગેવાન સાથે પણ ધંધાકીય હિતો સંકળાયેલા છે, ભાજપ નેતાઓ સાથેના કારોબારને સાચવી રાખવા માટે પીછેહટ કરી છે. કોંગ્રેસે ગુપ્તા પરિવારને ઘણું મહત્ત્વ આપ્યું છે, પક્ષના કેટલાક કોન્ટ્રાક્ટ પણ એમની કંપની નક્કી કરતી હતી. રાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ જવાબદારી આપી હતી. જોકે હવે હાઈકમાન્ડ સખ્ત નારાજ થતાં આગામી સમયમાં તેમને કદ પ્રમાણે વેતરી દેવાય તો નવાઈ નહિ.


