ભોમેશ્વરથી એરપોર્ટ, જામનગર રોડ ડાયવર્ઝન નીકળશે, એપ્રિલના મધ્યમાં પુલ તોડવાનું થશે શરૂ
રાજકોટના જામનગર રોડ પર આવેલ સાંઢીયાની જગ્યાએ ૬૨.૬૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવાનું કામ ટૂંક સમયમાં જ શરૂ થવા જઇ રહ્યુ છે. અંદાજે દોઢ વર્ષ સુધી કામ ચાલુ રહેવાનું છે અને ત્યા સુધી તમામ વાહનોનું ડાયવર્ઝન ભોમેશ્વર થઇને જૂના એરપોર્ટની દિવાલ પાસેથી જામનગર રોડ નીકળશે. ડાયવર્ઝન રૂટ જોતા ભોમેશ્વર ફાટક પર અકલ્પનિય ટ્રાફિક સમસ્યા સર્જાવાની છે. ખાસ કરીને ટ્રેનના આવવા-જવાના સમયે ફાટકની બન્ને બાજુ ચક્કાજામ જેવી હાલત સર્જાશે એમા શંકાને કોઇ સ્થાન નથી. કામ શરૂ થાય એ પહેલા ફાટક પહોળું કરવામા આવે તેવી ભોમેશ્વરવાસીઓની માગણી છે.
મનપા તંત્ર દ્વારા હોળાષ્ટક ઉતરતાની સાથે જ શહેરના સૌથી જુના બ્રીજ સાંઢીયા પુલના નવનિર્માણ માટે એપ્રીલથી તોડવાનું શરૂ કરનાર છે. રૂ.૬૨ કરોડથી વધુના ખર્ચે સાંઢીયા પુલ ટુ લેનમાંથી ફોર લેનનો બનાવવામાં આવશે.
શહેરના સૌથી જુના પુલને તોડીને નવેસરથી જ બનાવવાનો હોય ઓછામાં ઓછા દોઢથી બે વર્ષ કામ ચાલવાનું છે. ચાર દાયકાથી લોકો અને વાહનોની અવરજવરના કારણે તેની અનેકવાર મરામત પણ કરવામાં આવી હતી. અંતે ગયા વર્ષે રેલવે દ્વારા તેને અસલામત જાહેર કરાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી. હવે મનપા દ્વારા તમામ અડચણો દુર થતાં સાંઢીયા પુલના નવનિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. ઉપરાંત અઠવાડિયાની અંદર ડાયવર્ઝન અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સાંઢીયા પુલના બદલે વૈકલ્પિક રસ્તા માટે બ્રીજની પાસેથી ભોમેશ્વરથી જામનગર રોડ થઇને વાહન વ્યવહારનો રૂટ નક્કી કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
અહીં ડાયવર્ઝનમાં ભોમેશ્વર ફાટક પાસે ટ્રાફિકનું એવુ કમઠાણ થવાનું છે કે જેની કોઇ કલ્પના ન કરી શકાય. એક તો હયાત સ્થિતિએ ફાટક પહેલેથી જ પહોળું છે. બે વાહન સામસામે માંડ નીકળી શકે છે. પુલનું કામ શરૂ થશે ત્યારે તમામ વાહનો ભોમેશ્વર ફાટક થઇને જ નીકળવાના છે ત્યાંરે અહીં જે હાલાકી થવાની છે તેના એંધાણ અત્યારથી દેખાઇ રહ્યા છે. ખાસ કરીને ટ્રેન પસાર થવાના સમયે ફાટકની બન્ને બાજુ ચક્કાજામ જેવી હાલત થવાની છે. બ્રિજનું કામ શરૂ થાય એ પહેલા ભોમેશ્વર ફાટક પહોળું કરવાની તાતી જરૂરિયાત છે.
જૂના એરપોર્ટની દિવાલ પાસેના રોડની મરામત જરૂરી
શહેર આખાનો વિકાસ થયો પણ જામનગર રોડથી ભોમેશ્વર તરફ જૂના એરપોર્ટની દિવાલ પાસેનો રોડ જાણે રાજકોટના નકશામાં જ ન હોય તેવુ લાગે છે. આ રોડ શા માટે ડામરથી મઢવામા આવતો નથી એ કારણ જ કોઇને ખબર નથી. મનપા એક કહે છે કે, જમીનનો આટલો કટકો વિવાદમાં છે. રાજવી પરિવારની જમીન છે. હકિકત જે હોય તે પણ દોઢ વર્ષ સુધી આ જ રસ્તે તમામ વાહનોનું ડાયવર્ઝન રહેવાનું હોવાથી રોડ ડામરથી મઢવામા આવે એ જરૂરી છે.


