- ચા – કોફી, તમાકુ – સિગરેટ, દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે
- ઉનાળોનો પ્રારંભ થતા જ પારો 41 ડિગ્રીને આંબી ગયો છે
- એક સપ્તાહમાં કુલ 79 લોકોને અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઉનાળોનો પ્રારંભ થતા જ પારો 41 ડિગ્રીને આંબી ગયો છે. ત્યારે રાજકોટ શહેર સહિત જિલ્લામાં વધુ 31 લોકોને ગરમી લાગતા મુર્છિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ ગત સપ્તાહે ગરમી અને લૂ લાગવાથી 79 લોકો બેભાન થયા હતા.
108 એમ્બ્યુલન્સ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે રાજકોટમાં લૂ લાગવાથી 18 લોકો અને રવિવારે 13 લોકોને અસર થઈ હતી. ગરમીનો પારો ઉંચકાતા જ લોકોને છાતીમાં દુઃખાવો, ચક્કર આવવાના બનાવમાં વધારો થયો છે. ખાસ કરીને રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં આવા બનાવનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લૂ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત બિમાર દર્દીઓ, શ્રામિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.
ચા – કોફી, તમાકુ – સિગરેટ, દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી આવી વસ્તુનું સેવન નહીં કરવા પણ સલાહ આપવામાં આવી છે. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસર દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે.


