- વિધાર્થીઓનો આક્ષેપ છે કે એક્સપાયરી ડેટવાળા બિસ્કિટ નાસ્તામાં અપાય છે
- વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ અધિકારીને પત્ર લખી કલેકટરને આપ્યું આવેદનપત્ર
- અગાઉ પણ વિધાર્થીઓએ તંત્રને જાણ કરી હતી પણ કોઈ પગલા ભરાયા નથી
ભાવનગર શહેરમાં ફરી એક વખત સરકારી હોસ્ટેલમાં જમવાના ભોજનમાં લાલિયા વાડી સામે આવી છે,વિધાર્થીઓને આપવામાં આવતા નાસ્તા તેમજ જમવામાં જીવાત અને એક્સપાયરી ડેટ વાળા બિસ્કીટ આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે,વિધાર્થીઓનો આક્ષેપ છે કે પહેલા પણ આ રીતે જ ભોજન અપાતું હતું અને તંત્રને પણ આ બાબતે જાણ કરી હતી પરંતુ હજી સુધી કોઈ પગલા ભરાયા નથી છેવટે વિધાર્થીઓએ ભેગા થઈ આજે કલેકટરને આવેદન આપ્યું હતું.
વિધાર્થીઓ ભરાયા રોષે
ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલ આંબેડકર કુમાર છાત્રાલયમાં નબળી કક્ષાનું ભોજન પિરસાતા હોસ્ટેલ વિવાદમાં આવી છે.વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.તો બીજી તરફ સરકારી હોસ્ટેલના વિદ્યાર્થી દ્વારા પત્ર લખીને સમાજ કલ્યાણ અધિકારી ભાવનગરને જાણ કરાઈ છે.વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે હોસ્ટેલમાં ભોજન માટે જેમને આ ટેન્ડર આપવામાં આવ્યું છે તે રદ કરવામાં આવે.
અગાઉ પણ ખરાબ ભોજનને કારણે હોસ્ટેલ આવી ચુકી છે વિવાદમાં
આ પ્રથમવાર નથી કે ભોજનને લઈને સરકારી હોસ્ટેલ વિવાદમાં આવી હોય. અગાઉ પણ અનેકવાર હોસ્ટેલમાં ખરાબ જમવાનુ આપવાને લઈને હોસ્ટેલ વિવાદમાં આવી ચુકી છે. આ અગાઉ પણ જમવામાં જીવાત હોવાની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીઓ ખરાબ ગુણવત્તાના ભોજનને લઈને અનેકવાર દેખાવ કરી ચુક્યા છે પરંતુ હજુ તેમા કોઈ સુધાર જણાતો નથી.


