- હુમલામાં ઈરાની એમ્બેસીની ઈમારત ધ્વસ્ત થઈ
- ઈરાની દૂતાવાસમાં હાજર તમામ લોકો ઘાયલ થયા અને કેટલાકના મોત થયા
- કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે
સોમવારે (1 એપ્રિલ, 2024), ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાની દૂતાવાસ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો છે અને તેમાં હાજર તમામ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર પણ સામેલ છે.
મળી રહેલી માહિતિ અનુસાર દૂતાવાસ પર ઈઝરાયેલની મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 8 લોકોના મોત થયા છે. આ હુમલામાં ઈરાની એમ્બેસીની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ છે. દમાસ્કસમાં થયેલા ઘાતક હુમલા અંગે ઈઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વિરુદ્ધ ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલમાં તણાવ વધી રહ્યો છે. તે જ સમયે ઇઝરાયેલ અને ઇરાનના સહયોગી દેશો વચ્ચે હિંસા વધી છે. આ પહેલા એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો હતો કે મૃતકોમાં કેટલાક રાજદ્વારીઓ પણ સામેલ છે.
રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવામાં લાગી
હાલમાં જે માહિતિ સામે આવી છે તેના અનુસાર હુમલા પછી એનેક્સ બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાનું જોવામાં આવ્યું હતું, અને ઈજાગ્રસ્તોને શક્ય તેટલી ઝડપથી સારવાર માટે દમાસ્કસ જિલ્લામાં કટોકટી સેવાઓ મોકલવામાં આવી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે હુમલામાં ઈમારત સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. તેની અંદર હાજર તમામ લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. મૃતકોમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની વિદેશી ઓપરેશન શાખા કુદ્સ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદીનો સમાવેશ થાય છે. સીરિયામાં આઠ દિવસમાં દમાસ્કસ પર આ પાંચમો હુમલો હતો, જેના પ્રમુખ બશર અલ-અસદને ઈરાન દ્વારા ટેકો મળે છે, જે આ ક્ષેત્રમાં ઈઝરાયેલના લાંબા સમયથી કટ્ટર દુશ્મન છે.
એફ 35 ફાઇટર પ્લેન દ્વારા કરવામાં આવ્યો હુમલો
બીજી તરફ એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે દમાસ્કસમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાજદૂત હુસૈન અકબરી અને તેમના પરિવારને ઈઝરાયેલના હુમલામાં કોઈ નુકસાન થયું નથી. તો અન્ય માહિતિ અનુસાર F35 ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા.


