- IDFનો ગાઝાની અલ અક્સા હોસ્પિટલ પર હવાઈ હુમલો
- હુમલામાં 4 લોકોના મોત, અનેક ઘાયલ, અનેક ફસાયા
- હોસ્પિટલમાં 15 દર્દીઓ વચ્ચે એક બોટલ પાણી: WHO ચીફ
ઈઝરાયલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યાના સમાચાર છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે. ઇઝરાયેલના હુમલાની વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે 18 માર્ચના રોજ ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર થયેલા હુમલા બાદની સ્થિતિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું છે કે જ્યારથી હોસ્પિટલ પર હુમલો થયો છે ત્યારથી ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. WHO ચીફે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેમની પાસે પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે શબ્દો નથી.
WHO ચીફે સોશિયલ મીડિયામાં કર્યું પોસ્ટ
WHO ચીફે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 107 દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં રોકાયા છે, જેઓ આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય સહાય, તબીબી સંભાળ અને પુરવઠાની તીવ્ર અછત છે. હોસ્પિટલના દર્દીઓમાંથી 4 બાળકો અને અન્ય 28 લોકોની હાલત ગંભીર છે અને લોકો મૂળભૂત વસ્તુઓ જેવી કે ડાયપર, પેશાબની થેલીઓ અને પાણીની અછતનો સામનો કરી રહ્યા છે.
WHO ચીફે દાવો કર્યો કે હોસ્પિટલમાં ગઇકાલે દર 15 દર્દીઓએ માત્ર એક બોટલ પાણી ઉપલબ્ધ છે. ભોજન પણ મર્યાદિત છે અને અહી ડાયાબિટીઝના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ટેડ્રોસે ઇઝરાયેલને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી. તેણે લખ્યું, ‘અમે પુનરાવર્તન કરીએ છીએ કે યુદ્ધવિરામ માટે દરેક ક્ષણ કિંમતી છે.’ બીજી પોસ્ટમાં, WHO ચીફે કહ્યું કે ‘આ સમગ્ર દુ:ખ વ્યક્ત કરવા માટે તેમની પાસે કોઈ શબ્દો નથી.’
ઈસ્લામિક જેહાદના અડ્ડા પર હુમલો: ઈઝરાયેલનો દાવો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલી સેનાએ તાજેતરમાં ગાઝાની અલ અક્સા હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેના હવાઈ હુમલામાં ઈસ્લામિક જેહાદના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ હુમલામાં ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠનના ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે, હોસ્પિટલ પ્રશાસને આ આરોપોને નકારી કાઢ્યા છે કે હોસ્પિટલ પરિસરનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. ઇસ્લામિક જેહાદ હમાસનું સાથી છે અને ઇઝરાયેલના હવાઇ હુમલા અંગે ઇસ્લામિક જેહાદ દ્વારા હજુ સુધી કોઇ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અલ અક્સા હોસ્પિટલ ગાઝામાં કાર્યરત છેલ્લી હોસ્પિટલ છે.


