- તાઈવાનમાં બુધવારે સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
- શક્તિશાળી ભૂકંપથી સુનામીની લહેર ઉઠી
- જાપાનના હવામાન વિભાગે અઠવાડિયા સુધી લોકોને સચેત રહેવાની સૂચના આપી
તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે સુનામીની પ્રથમ લહેર જાપાનના દક્ષિણી ટાપુઓ પર ત્રાટકી છે. એપીના અહેવાલમાં જાપાની અધિકારીઓના હવાલાથી આ સમાચાર આપવામાં આવ્યા છે. તાઈવાનની ધરતી આજે જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપની તીવ્રતાના કારણે સમુદ્રમાં સુનામીની લહેર ઉભી થઈ અને તેણે દક્ષિણ જાપાનના બે ટાપુઓને લપેટમાં લીધા.
ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. તાઈવાનમાં આ ભૂકંપના કારણે ભારે તબાહીની આશંકા છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપના કારણે અનેક ઐતિહાસિક ધરોહરોને નુકસાન થયાના અહેવાલો છે. તાઈવાનમાં ભૂકંપ બાદ સરકારી ઓફિસો અને શાળાઓને કામકાજ બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જાપાનની સૌથી મોટી એરલાઈન્સે ઓકિનાવા અને કોગોશિમા વિસ્તારની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.


