- વિનાયક પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ
- પવનના કારણે બાજુની ફેક્ટરી પણ આગની ચપેટમાં
- વાંકાનેર અને રાજકોટના ફાયર ફાયટર બોલાવાયા
મોરબીના રફાળેશ્વર પાસે નેશનલ હાઇવે પર આવેલી એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી છે. એટલું જ નહીં આગે થોડીજ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે 3 કલાકની જહેમત બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી જેથી રાજકોટ અને વાંકાનેરથી ફાયરની ટીમ બોલાવવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર પાસે સરોવર પોર્તિકો હોટેલની બાજુમાં આવેલી સીટ કવર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગે થોડીજ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લબકારા અને ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.
જ્યારે આગની દુર્ઘટના અને મોરબી ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. તેમજ ગોડાઉનમાં સીટ કવર બનાવાતા હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે.
આ અંગે ફાયર ફાયર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિનાયક પ્લાસ્ટિકમાં લાગેલ આગ બાજુની ફેકટરી સુધી ફેલાઈ છે. પવનના કારણે બાજુની ફેક્ટરી પણ આગની ચપેટમાં આવ્યા છે. 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગ કાબુમાં આવતા 5 કલાક લાગી શકે છે.


