ભાવનગરમાં યોજાયેલા વિરાટ સંમેલનમાં ક્ષત્રિય મહિલાઓ આક્રમક
ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પણ રૂપાલાના વિરોધમાં આવ્યા મેદાને
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાને યથાવત જ રાખવામા આવશે તેવો ભાજપના હાઇકમાન્ડનો નિર્ણય છે તો બીજીબાજુ રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિય સમાજમાં વિરોધની જે આંધી ઉઠી છે તે હવે વધુ પ્રચંડ બની રહી છે. રૂપાલા જ્યાથી ચૂંટણી લડવાના છે એ રાજકોટ બેઠક પર રૂપાલા વિરુધ્ધ પોસ્ટર લાગ્યા છે. ગામોગામ વિરોધ વધુ વ્યાપક બનતો જાય છે તો અત્યંત ગંભીર કહી શકાય તેવી એક ચીમકી ભાવનગર ક્ષત્રિય સમાજની મહિલાઓએ આપી છે. જો પરસોતમ રૂપાલાને હટાવવામા નહીં આવે તો ક્ષત્રિય મહિલાઓ જોહર કરશે તેવી ચીમકીથી હડકંપ મચી ગયો છે.
ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટથી શરૂ થઈ હાલ સમગ્ર ગુજરાતમાં ઘેરાવો લઇ ચુક્યો છે. ત્યારે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા બહુ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ અને યુવકો એકઠા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ક્ષત્રિય મહિલાઓ દ્વારા હુંકાર કરવામાં આવ્યો કે જો રૂપાલાને રાજકોટ થી હટાવવામાં નહીં આવે તો તેઓ જોહર કરવા પણ તૈયાર છે.
ભાવનગર શહેરમાં આવેલી ગરાસિયા બોર્ડિગ ખાતે યોજાયેલા સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ માટે જોડાયા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ રાજેન્દ્રસિંહજી રાણાએ પણ વક્તવ્ય આપ્યું હતું. અને પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી પોતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતો સાથે ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓએ પણ પોતાનો એક સૂર સાથે મત રજૂ કર્યો હતો. અને પરસોતમ રૂપાલાની ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ટિકિટ રદ કરે તેવી ઉગ્ર માંગ કરી હતી.
ભાવનગર લોકસભામાં અઢી લાખથી વધારે મતદારો જ્યારે ક્ષત્રિય સમાજના છે ત્યારે ક્ષત્રિય સમાજનો પોકેટ એરીયા ગણવામાં આવે છે. ભાવનગર વિસ્તારમાં કયારેય લોકસભાની ચૂંટણીમાં પહેલા આ પ્રકારે આક્રમક અને આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું ભેગું થવું અને વિરોધ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ સાથે જ પહેલા સંમેલન પૂર્ણ થયા બાદ ખૂબ જ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યું હતું. અને ભાવનગરની કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું આ રેલીની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિપૂર્ણ સંપૂર્ણ ડિસિપ્લિનમાં રહીને સભા અને રેલીનું આયોજન થયું હતું અને આક્રમકતા સાથે વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
સમગ્ર ઘટનાને લઈને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો દ્વારા એક જ માંગ કરાઈ હતી કે રૂપાલાને ત્યાંથી હટાવવામાં આવે અને તેની ટિકિટ રદ કરવામાં આવે, જો ટિકિટ રદ નહીં કરાય તો તેઓ જોહર કરવા પણ તૈયાર છે, આને ચીમકી માનો તો ચીમકી અને ધમકી માનો તો ધમકી, મહિલાઓએ હુંકાર કર્યો હતો માત્ર બોલતા નથી પરંતુ કરી દેખાડીએ છીએ.


