રઘુવંશીઓ રાષ્ટ્રને દાગી કમળ અર્પણ કરવા માંગતા નથી એટલે ઉમેદવાર બદલવા માંગ કરી રહ્યા છે
ભાજપએ ઉમેદવાર રીપીટ કરતા ગુજરાતના 30 લાખ રઘુવંશીઓને આઘાત લાગ્યો
સેવાભાવિ ડો.અતુલ ચગના કેસમાં ન્યાય મળે તે હેતુસર વેરાવળમાં રઘુવંશી લોહાણા સમાજની બેઠક મળી હતી. જેમાં રઘુવંશીઓના દિલમાં પણ કમળ છે એટલે અમો ડાઘવાળુ કમલ રાષ્ટ્રને મોકલવા માંગતા નથી એટલે જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બદલવાની માંગ કરી રહ્યા છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજને એકત્રિત કરીને રણનીતિ ઘડવાનો આહવાન કરવામાં આવ્યુ છે.
વેરાવળના ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે. તે સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરી ટીકીટ આપતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ન્યાય મેળવવા ગતરાત્રીના વેરાવળ લોહાણા વંડીમાં રઘુવંશીઓની અગત્યની બેઠક મળી હતી. જેમાં જુનાગઢ, કેશોદ, મેંદરડા સહિત સોરઠના જુદા જુદા શહેરોમાંથી રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્વે નાટકીય રીતે સ્વ.ડો.ચગના પુત્ર હિતાર્થે પત્રકાર પરિષદ યોજી આ મામલે સુખદ સમાધાન થયાનું જાહેર કર્યા અંગે બેઠકમાં લાલઘુમ થયેલા રઘુવંશી આગેવાનોએ સમાધાનની વાતને લઈ સવાલો ઉઠાવ કહેલ કે, જે લોકો ડો.ચગની આત્મહત્યા સમયે રાડો પાડીને ન્યાય અપાવવામાં કોઈ કચાશ રખાશે નહીં તેવા બણગાં ફૂંકતા બની બેઠેલા આગેવાનો આજે કેમ અદ્રશ્ય છે ?
આ બેઠકમાં રઘુવંશી આગેવાનોએ કહેલ કે, ડો.ચગની ફરીયાદમાં સાંસદ રાજેશનું નામ હોય અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેમ છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટીકીટ આપી હોવાના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ જીલ્લા ઉપરાંત ગુજરાતના 30 લાખથી વધુ રઘુવંશી પરીવારોને ઉંડો આઘાત લાગ્યો છે. આ મામલે બંધબારણે અમુક લોકોના અંગત હેતુ અને આર્થિક વહીવટ સાથે સમાધાન થયેલ હોય જે રઘુવંશી સમાજને સ્વીકાર્ય નથી. રઘુવંશીઓના દિલમાં હરહમેંશા કમળ જ છે. જેથી અમો ડાઘ વાળુ કમળ રાષ્ટ્રને અર્પણ કરવા માંગતા ન હોય એટલે જ ભાજપ પક્ષ સમક્ષ ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે.


