- શ્રીલંકન નેવીએ કરી હતી ભારતીય માછીમારોની ધરપકડ
- કચ્ચાતિવુ ટાપુ મુદ્દે વિવાદ વચ્ચે ભારતીય માછીમારોની મુક્તિ
- ગત મહિને ધરપકડને લઈને શ્રીલંકન નેવીએ કરી હતી પુષ્ટિ
શ્રીલંકન નેવી દ્વારા અટકાયત કરવામાં આવેલ લગભગ 19 ભારતીય માછીમારોને બુધવારે મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને આ અંગે જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર પોસ્ટ શેર કરતા ભારતીય હાઈ કમિશને લખ્યું, ‘ઘર વાપસી! 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી વતન પરત લાવવામાં આવ્યા છે અને હવે તેઓ કોલંબોથી ચેન્નાઈ જઈ રહ્યા છે. મહત્વનું છે કે, 19 ભારતીય માછીમારોની મુક્તિ કચ્ચાતિવુ ટાપુ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે આવી છે, જ્યારે ભારતના સત્તાધારી પક્ષ ભાજપે 1974માં આ નાના ટાપુને શ્રીલંકાને સોંપી દેવા માટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
જાણો શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકન નેવીએ ગયા મહિનાના અંતમાં એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે તેણે 2024માં પોતાની જળસીમામાં માછીમારી કરવા માટે 23 ભારતીય ટ્રોલર અને 178 ભારતીય માછીમારોને જપ્ત કર્યા હતા અને કાનૂની કાર્યવાહી માટે અધિકારીઓને સોંપ્યા હતા.


