- બંધારણની રક્ષા માટે એક થઈ પાકિસ્તાનના વિરોધ પક્ષો
- ચૂંટણીમાં ધાંધલીને લઈને આજથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો
- ઈમરાન ખાનની PTI પાર્ટી પણ જોડાશે દેશવ્યાપી આંદોલનમાં
પાકિસ્તાનમાં સરકારના વિરોધમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ મોટું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થયેલ ચૂંટણીમાં કથિત ધાંધલી અને જનાદેશ સાથે છેડછાડ કરીને સરકાર બનાવવા સામે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટીએ વિપક્ષી દળોના ગઠબંધનની સાથે મળીને આજે દેશવ્યાપી આંદોલનનું જાહેરાત કરી છે.
મહાગઠબંધનમાં 6 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. જેની બેઠક શુક્રવારે મોડી રાત્રે શરૂ થઈ હતી અને શનિવાર સુધી ચાલુ રહી હતી. બેઠક દરમિયાન, તહરીક તહફુલ્લાહ ઈન-એ-પાકિસ્તાન (TTAP) એ પાકિસ્તાનના બંધારણની રક્ષા માટેના આંદોલનમાં સામેલ થવાનું નક્કી કર્યું. જો કે, મીડિયા અહેવાલો કહે છે કે વિપક્ષી ગઠબંધનના આંદોલન શરૂ કરવાથી સંકેત મળે છે કે ચૂંટણી બાદ શાંતિ અને રાજકીય સ્થિરતાનું સ્વપ્ન અધૂરું જ રહી જશે.
આ પક્ષો છે ગઠબંધનનો ભાગ
જણાવી દઈએ કે, ઈમરાનની PTI પાર્ટીએ તેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે જેમણે 8 ફેબ્રુઆરીની ચૂંટણીના પરિણામો સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ કરનાર પક્ષોમાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BANP), પશ્તુનખા મિલ્લી અવામી પાર્ટી (PAKMP), જમાત-એ-ઈસ્લામી (JI), મુત્તાહિદા વહદત-ઉલ-મુસ્લિમીન (MOM) વગેરેનો સમાવેશ થાય છે.
કલાકો સુધી ચાલી હતી બેઠક
બલૂચિસ્તાન નેશનલ પાર્ટી-મેંગલ (BNP-M)ના પ્રમુખ સરદાર અખ્તર મેંગલની અધ્યક્ષતામાં આ બેઠક કેટલાક કલાકો સુધી ચાલી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પશ્તુનખા મિલ્લી અવામી પાર્ટી (PAKMP)ના પ્રમુખ મહમૂદ ખાન અચકઝાઈ ગઠબંધનનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના અધ્યક્ષ સાહિબજાદા હમીદ રઝા ખાન, મજલિસ વહદત મુસ્લિમીનના પ્રમુખ રાજા નાસિર અબ્બાસ અને જમાત-એ-ઇસ્લામીના નેતા લિકાયાત બલોચે પણ બેઠકમાં હાજરી આપી હતી.
આવો છે આંદોલન કરવાનો હેતુ
PTI મહાસચિવ ઉમર અયૂબ ખાને બેઠક બાદ મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે આંદોલન કરવાનો હેતુ દેશમાં કાયદાનું શાસન લાગુ કરવાનો છે અને આ આંદોલન શનિવારથી બલૂચિસ્તાનના પિશિન વિસ્તારમાં એક જાહેર રેલીની સાથે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘તમામ વિસ્તારોમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાની ઇચ્છાથી વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા છે.
ઉમરે વધુમાં જણાવ્યું કે આંદોલન 8 ફેબ્રુઆરીની ચૂંટણીમાં કથિત ધાંધલી અને જનાદેશ સાથે છેડછાડ કરીને સરકાર બનાવવાના વિરોધમાં શરૂ કરવામાં આવી રહયું છે. જણાવી દઈએ કે, મહાગઠબંધન ચૂંટણી પરિણામોનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યું છે. અચકઝાઈએ કહ્યું છે કે ગઠબંધન સેનાના વિરોધમાં નથી પરંતુ તે બંધારણમાં આપવામાં આવેલ રાજકીય ભૂમિકાના વિરોધમાં છે.
શનિવારથી શરૂ થશે જનસભાઓ
અચકઝાઈએ કહ્યું કે, ‘બંધારણ એક સામાજિક કરાર છે અને અમે તેના રક્ષણ માટે શનિવારથી જનસભાઓ શરૂ કરવામાં આવશે. તેમણે કોઈપણ નાગરિક કે સૈન્ય અધિકારીઓની સેવાઓમાં વિસ્તાર કરવાનો પણ વિરોધ કર્યો.


