- પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગમે તે સમયે આતંકી હુમલા થતા હોય છે
- 11 લોકોનાં મોતના જવાબદાર આતંકવાદીઓને માફ નહિ કરાય : બલૂચિસ્તાનના મુખ્યમંત્રી
- બસમાંથી પ્રવાસીઓનું અપહરણ કરી ગોળી ધરબી દીધી હતી
પાડોશી દેશ પાકિસ્તાનના અશાંત એવા બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓને કેર સામે આવ્યો છે. આતંકવાદીઓએ બસયાત્રિકો સહિત 11 લોકોની કરપીણ હત્યા કરી દીધી છે. આતંકવાદીઓએ નોસ્કી જિલ્લામાં હાઈવે પર બસ રોકીને બંદૂક બતાવી નવ લોકોનું અપહરણ કરી લીધું હતું. આ નવ લોકોનાં મૃતદેહ પર્વતીય વિસ્તારમાંથી મળી આવ્યા હતા. મૃતકોના શરીરમાં ગોળી લાગ્યાના નિશાન હતા. એક નજરે જોનાર વ્યકિતએ કહ્યું કે, બસ ક્વેટાના તાફ્તાન તરફ થઈ રહી હતી. કેટલાક આતંકવાદીઓએ બસ રોકીને તેમાંથી નવ લોકોને પર્વતીય વિસ્તાર તરફ લઈ ગયા હતા.
આતંકવાદીઓએ એક કાર પર ફાયરિંગ કર્યું હતું
અન્ય એક ઘટનામાં, તે જ હાઇવે પર એક કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ કહ્યું કે હાઈવે પર 11 લોકોનાં મોત માટે જવાબદાર આતંકવાદીઓને માફ કરવામાં આવશે નહીં. તેઓ વહેલી તકે પકડાઈ જશે.
તેમણે વધુમાં કહ્યું કે આ હુમલામાં સામેલ આતંકવાદીઓનો પીછો કરવામાં આવી રહ્યો છે. તેમનો (આતંકવાદીઓ)નો હેતુ માત્ર બલૂચિસ્તાનની શાંતિને ખતમ કરવાનો છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સરકાર મૃતકોના પરિવારની સાથે છે.
બલૂચિસ્તાનમાં આતંકી હુમલા વધવા લાગ્યા
હાલમાં, કોઈપણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોએ આ હુમલાઓની જવાબદારી લીધી નથી. તમને જણાવી દઈએ કે પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાઓ વધવા લાગ્યા છે. આ હુમલાઓમાં મુખ્યત્વે સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તાજેતરમાં જ પ્રાંતમાં માચ શહેર, ગ્વાદર બંદર અને તુર્બતમાં નૌકાદળના બેઝ પર થયેલા ત્રણ મોટા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં સુરક્ષાદળોએ 11 આતંકીઓને ઠાર કર્યા હતા.


