ક્ષત્રિય સંમેલનમા એક અવાજ : ૧૯મી સુધીમા રૂપાલાને હટાવવાની માંગણી
રવીવારે રાજકોટના રતનપરમાં વિરાટ ક્ષત્રિય સંમેલન થયુ. શિસ્તબધ્ધ રીતે લાખો ક્ષત્રિય એક મંચ ઉપર એક અવાજ સાથે એક જ વાત કરી શાંતિ પૂર્વક વિખરાઇ ગયા. એ લાખો ક્ષત્રિયોનો એક જ અવાજ હતો. ક્ષત્રિય અસ્મિતાના સન્માન માટે રૂપાલાને હટાવો. આ માટે ક્ષત્રિય અસ્મિતા સમિતિના વિવિધ નેતાઓની એક જ માગણી છે કે ૧૯મી તારીખ સુધીમાં ભારતિય જનતા પાર્ટી રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે હટાવી લ્યે.અમારો સંઘર્ષ ભાજપ સાથે નથી.અમારો સંઘર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નથી. અમારો સંઘર્ષ ક્ષત્રિય સમાજની આન,બાન અને શાન માટે છે. અમારો સંઘર્ષ ક્ષત્રિય અસ્મિતા માટે છે. આ માટે અમારી એક જ માગણી છે. રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પરસોતમ રૂપાલાને ભાજપ તેમના ઉમેદવાર તરીકે હટાવી લ્યે.
જો કે, ક્ષત્રિય સંમેલનના મંચ ઉપરથી મુખ્ય તમામ નેતાઓએ કહયુ છે કે જો ભાજપ મમત નહિ છોડે અને રૂપાલાને નહિ હટાવે તો રૂપાલા સામેનો આ સંઘર્ષ ભાજપ સામે પણ થશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ સમાજનો સહકાર લઇ ભાજપ વિરૂધ્ધ મતદાન કરવામાં આવશે. આ આંદોલન ન માત્ર ગુજરાત સુધી સિમિત રહેશે પરંતુ રાજસ્થાન,હરિયાણા,યુ.પી. સહિત જયાં જયાં ક્ષત્રિય સમાજ છે ત્યાં તેની અસર દેખાશે.
જો કે, ક્ષત્રિય સમાજના આ વિરાટ સંમેલનનો ભાજપમાંથી કોઇ પ્રત્યાઘાત જોવા મળ્યો નથી. હવે બોલ ભાજપના કોર્ટમાં છે. ભાજપ હાઇકમાન્ડ શું નિર્ણય લ્યે છે તેના ઉપર ચૂંટણીનો ભાવિ રણસંગ્રામ રહેશે.


