રેસકોર્ષ રિંગરોડ પર છવાયો કેસરિયો માહોલ
જાગનાથ મંદિરથી બહુમાળી ભવન ચોક સુધી એકઠી થઇ હકડેઠઠ જનમેદની, રૂપાલાને મળ્યુ પ્રચંડ જનસમર્થન
પરસોતમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે આજે રાજકોટમાં કેસરિયો માહોલ છવાયો હતો. સવારે ૯ વાગ્યાથી શહેરના માર્ગો પર ભાજપનો ખેંસ અને સાફો પહેરીને નીકળતા કાર્યકર્તાઓ દેખાતા હતા. કાર્યકર્તાઓ અને સાથે રૂપાલાના સમર્થકો સહિત હજારોની જનમેદની જાગનાથ મંદિર પાસે એકઠી થઇ હતી. આ પ્રસંગ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સાફો પહેરીને રજવાડી ઠાઠમાં દેખાયા હતા. જો કે ઉપસ્થિત મોટાભાગના કાર્યકર્તાઓ કેસરિયા સાફા પરિધાનમાં જોવા મળ્યા હતા.
પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પરસોતમ રૂપાલાને રેકોર્ડબ્રેક લીડથી જીતાડવા માટે કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. જાગનાથ મંદિર ચોકથી યાજ્ઞિક રોડ પર બન્ને તરફ જ્યા જુઓ ત્યા કેસરિયો મહાસાગર ઘુઘવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જાગનાથ મંદિરે રૂપાલાએ શિશ ઝૂંકાવ્યા બાદ યોજાયેલા રોડ-શોમાં એક છેડો જાગનાથ મંદિર અને બીજો છેડો સભા સ્થળ બહુમાળી ભવન ચોક સુધી હતો. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
ક્ષત્રિય સમાજના લોકો પણ રૂપાલાના સમર્થનમાં દેખાયા
રૂપાલાના રોડ-શો અને સભામાં ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રૂપાલાએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રના હિત માટેની આ ચૂંટણીમાં સર્વે ક્ષત્રિય સમાજનો સહયોગ અમુલ્ય છે. આજે મારા ઉમેદવારીપત્ર ભરવાના પ્રસંગે હાજર તમમ ક્ષત્રિય સમાજના લોકોનો હું હ્રદયથી આભાર માનુ છું.


