- ભારે વરસાદના કારણે મોલ,મેટ્રો બંધ ઠપ્પ ગયા
- એરપોર્ટ પર પાણી ફરી વળતા ફ્લાઈટ સેવા પ્રભાવિત
- મોટાભાગના વિસ્તારો માટે યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું
મંગળવારે સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં સોમવાર રાતથી અબુ ધાબી, દુબઈ અને અલ આઈન જેવા શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લોકલ ન્યૂઝ અનુસાર, વરસાદના કારણે દુબઈ મેટ્રો સ્ટેશનથી લઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ છે.
આ અંગે UAE મીડિયાના જણાવ્યા અનુસાર, વરસાદ અને પાણી ભરાવાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન 25-30 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. જેમાં ફ્લાય દુબઈ એરલાઈને ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ઘણા વિસ્તારોમાં પાવરકટની સમસ્યા પણ સામે આવી રહી છે. જ્યારે ભારે વરસાદના કારણે ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.
આ સાથે જ UAE ના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજીએ અબુ ધાબી અને દુબઈના મોટાભાગના વિસ્તારો માટે યેલો અને ઓરેન્જ એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે. જેની સાથે જ બુધવાર સાંજ સુધી આ પ્રકારનું જ હવામાન રહી શકે છે. જેમાં અમીરાતના વિવિધ વિસ્તારોમાં પવનની ઝડપ 70kph સુધી પહોંચી શકે છે.

UAE ના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્ય અનુસાર, દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે. તેમજ ભારે વરસાદના કારણે ઉત્તર અમીરાતમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે રાસ અલ ખાઈમાહ અને અલ આઈનમાં ભૂસ્ખલનની જાણ થઈ હતી. અમીરાતમાં ભારે વરસાદને પગલે અજમાનનો મુઝૈરેહ ડેમ છલકાઈ ગયો.

સોશિયલ મીડિયા પર પૂર અને પાણી ભરાવાના ઘણા વીડિયોમાં લોકો પાણીમાં ફસાયેલા જોવા મળે છે. વરસાદ અને પૂરને જોતા UAEમાં સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમજ ઘણી જગ્યાએ 2 દિવસ માટે શાળાઓ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે બુધવારે સવારે વધુ ભારે વરસાદની આગાહી કરી છે.


