- ભરૂચ નગરમાં વારંવાર વીજળી ખોટકાતા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો
- DGVCL ઓફીસ પર અફરાતફરીનું વાતાવરણ : પોલીસ બોલાવવી પડી
- લગભગ એક સપ્તાહથી દિવસના સમયે કે રાત્રિના સમયે વીજ ખોટકાવાના લોકોમાં ખુબ આક્રોશ
ભરૂચ નગર અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી દિવસના સમયે કે રાત્રિના સમયે વીજ ખોટકાવાના બનાવો વારંવાર બન્યા કરે છે. કારમી ગરમીમાં વીજળી ખોટકાવાના બનાવો બનતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. સાથે જ લોકો દ્વારા વીજ તંત્રના કર્તાહર્તાઓને ટેલીફોન દ્વારા સંપર્ક કરવા જતા કયાં તો તે સ્વીચ ઓફ આવતો હતો અથવા તો એન્ગેજ આવતો હોય જેથી લોકોમાં ખુબ આક્રોશ વધી ગયો હતો. આવી જ બાબતો ગતરોજ તા.18-4-24 ના ગુરૂવારે સમીસાંજથી રાત્રિ દરમ્યાન બનતા ભરૂચ પાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ, સલીમ અમવાદાવી તેમજ અન્ય સમાજ સેવકો વીજ તંત્રની કચેરીએ પહોંચી ગયા હતા.
કોંગ્રેસના આ કાર્યકરો વીજળી ખોટકાવાથી રાત્રે ઘરમાં ઉંઘ ન આવવાથી ગાદલા-તકીયા લઈ વીજ તંત્રની કચેરીએ પહોંચી ગયા હતા. આ સમગ્ર પ્રકરણ દરમ્યાન અફરાતફરી તેમજ ઉગ્ર બોલાચાલી થતા જીઈબી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મંગાવાયો હતો. આ અંગે ભરૂચ નગરપાલિકાના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યુ હતુ કે, 66 કેવી કુકરવાડા સેન્ટર ઉભુ કર્યા બાદ પણ ડીજીવીસીએલ દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થતાં આ વિસ્તારની ફરિયાદો અંગે તરત જ કોઈ જાતનું સમારકામ ન કરાતા તેની સીધી અસર વીજ પુરવઠા પર પડી હતી. એટલુ જ નહી પરંતુ કુકરવાડા ખાતે વીજ તંત્ર દ્વારા ઉભી કરાયેલી સગવડનો કોઈ લાભ લોકોને પ્રાપ્ત થયો ન હતો. વધુમાં હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યુ હતુ કે, જયારે પણ લોકો વીજળી ખોટકાવા અંગે વીજતંત્રનો સંપર્ક કરે તેવા સમયે કયાં તો ફોન એન્ગેજ આવતો હોય છે અથવા તો વીજ તંત્રના કર્મચારીઓ દ્વારા ખોટા વાયદાઓ પણ આપવામાં આવે છે. છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ લગભગ 6 થી 7 વાર જુદા જુદા વિસ્તારોમાં વીજળી ખોટકાવાના બનાવો બને છે ત્યારે આ કારમી ગરમીમાં લોકો વીજ પુરવઠો ન હોવાના કારણે ગરમીમાં શેકાતા ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આખરે ભરૂચ નગર પાલિકાના કોંગ્રેસના વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદે ત્રાહીમામ પોકારેલ લોકોની આગેવાની લેતા વીજ તંત્રના કર્મચારીઓએ પોતાના બચાવમાં એમ કહ્યુ હતુ કે, તેમની પાસે પુરતો સામાન અને મહેકમ નથી. જો કે હવે આવનાર દિવસોમાં જો વીજળી ખોટકાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આ મુદ્દો લોકસભાની ચુંટણીમાં પણ ગુંજશેએવી માહિતી છે.
વારંવાર શટડાઉન છતાં પરિસ્થિતિ યથાવત્
ગતરોજ ડીજીવીસીએલ કચેરી પાંચબત્તી ખાતે ગયેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જયારે એમ જણાવ્યુ કે, ડીજીવીસીએલ દ્વારા વારંવાર શટડાઉન કરવામાં આવે છે તેમ છતાં આવી પરિસ્થિતિ કેમ ? હાલમાં જ બે દિવસ પહેલા સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી વીજ તંત્ર દ્વારા શટડાઉન કરાયુ હતુ અને તે જ રાત્રે 4 થી 5 વાર વીજ પુરવઠો ખોરવાયો હોવાના બનાવો બન્યા હતા.
તો વીજબલ ન ભરવાની ચીમકી
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ વીજ તંત્રની કચેરી ખાતે રજુઆત કરવા ગયેલ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, વીજ તંત્ર દ્વારા વીજ ગ્રાહકોને વીજબીલ આપવામાં આવે છે એટલુ જ નહી પરંતુ વીજ બીલ ભરવામાં મોડુ થાય તો દંડ વસુલ કરવામાં વીજ તંત્ર પાછી પાની કરતુ નથી. ઉપરાંત વારંવાર વિવિધ ગામડાઓમાં અને વિસ્તારોમાં વીજીલન્સ રેડની પણ કામગીરી કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીજ તંત્ર દ્વારા પહેલા નિયમિત રીતે વીજ પુરવઠો અપાવવો જોઈએ નહીં તો લોકો વીજબીલ ભરવાનું બંધ કરી દેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
સરેરાશ 40 ડિગ્રી જેટલું તાપમાન રહેતા રાત્રીના પણ બફારો
હાલના દિવસોમાં સરેરાશ 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે જેથી સુર્યાસ્ત બાદ પણ ભરૂચ પંથકમાં ગરમી અને બફારાનું વાતાવરણ રહે છે. આવા વાતાવરણમાં જયારે લોકો પંખામાં મીઠી નીંદર લેવાનો પ્રયાસ કરતા હોય તેવા સમયે વીજળી ખોટકાતા પંખા બંધ થઈ જાય છે અને તેથી નાના બાળકોથી માંડીને વડીલો સુધીના તમામની ઉંઘમાં ખલેલ પહોંચે છે એટલુ જ નહી પરંતુ આખી રાત નાના બાળકો રડતા રહે છે.


