- પાટણ લોકસભા બેઠક વિસ્તારના બાલીસણા મુકામે મુખ્યમંત્રીએ વિશાળ સભા ગજવી
- મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા તાલુકા પંચાયત તેમજ પાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
- રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા
પાટણના બાલીસણા ગામ ખાતે રવિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સભા યોજાઈ હતી. જેમાં તેઓએ વર્ષ 2014 પછી કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ 10 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રજાલક્ષી યોજનાઓ અને કામગીરીનું વર્ણન કરી ત્રીજી વખત વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપને જીતાડી નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે અને પાટણના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે હાકલ કરી હતી.
જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ તાલુકાના બાલીસણા ગામમાં ચૂંટણી સભા યોજી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રમાં શાસિત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી તેમજ વિવિધ યોજનાઓ મતદારો સમક્ષ મૂકીને આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે હાકલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ આઈઆઈટી સહિતના શિક્ષણ ક્ષેત્રે, વાઈબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામ થકી ઉદ્યોગ અને રોજગારી ક્ષેત્રે તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના થકી આરોગ્ય ક્ષેત્ર સહિતના તમામ મોરચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાઓ, મહિલાઓ તથા દેશવાસીઓને જે સુવિધાઓ મળી છે. તેની વિસ્તૃત જાણકારી આપી હતી. વર્ષ 2014 પહેલા 50 ટકા ગામડાઓ સડકથી જોડાયેલા નહોતા. જ્યારે હાલમાં દરેક ગામડા પાકી સડકથી જોડાઈ ગયા છે, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીની ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં મતદારો સહિત પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાલીસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સભા સ્થળે આવીને સ્ટેજ ઉપર આવતાં જ સભામાં જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠયા હતા. ઉપસ્થિત લોકોએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન ઝીલ્યું હતું.


