અપક્ષોમાંથી ભાવેશ પીપળિયા છે લેઉઆ પાટીદાર અને અમરેલી પંથકના લાલાવદરના વતની
લેઉઆ સમાજના પરેશ ધાનાણીના મત કાપવા માટે હરીફ પક્ષે રાજકીય ચોકઠું ગોઠવ્યુ કે શું?
ક્ષત્રિય સમાજના રોષ માટે એપી સેન્ટર બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. સમગ્ર ગુજરાતની નજર હવે રાજકોટ બેઠક પર મંડાઇ છે. અહીં ભાજપના પરસોતમ રૂપાલા તો સામા પક્ષે ભૂતકાળમાં રૂપાલાને પરાજયનો સ્વાદ ચખાડનાર પરેશ ધાનાણીએ કોંગ્રેસ તરફથી બાથ ભીડી છે. રાજકોટ બેઠક પર મુળ અમરેલીના આ બે જ બળુકા ઉમેદવાર મેદાનમાં નથી, તેની સાથે અન્ય એક પાટીદાર અમરેલીના લાલાવદરના ભાવેશભાઇ પીપળિયા પણ અપક્ષ તરીકે મેદાનમાં છે. ભાવેશભાઇ લેઉઆ પાટીદાર છે. રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે ધાનાણી લેઉઆ પાટીદાર છે. દેખીતી રીતે જ અહીં રાજકારણના એવા ચોકઠાં ગોઠવાયા છે કે લેઉઆ સામે લેઉઆ પાટીદારને ટકરાવા માટે અપક્ષ તરીકે અને એ પણ અમરેલી પંથકના જ લાલાવદરના છે. ધાનાણી સામે ક્રોસ વોટિંગ કરાવવા માટે જ લેઉઆ પાટીદાર ચહેરાને ઉતારવામા આવ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
લોકસભાની આ વખતની ચૂંટણીમાં રાજકોટ બેઠક હવે સંપૂર્ણપણે જ્ઞાતિ આધારિત બની ગઇ હોય તેવુ લાગે છે. એકબાજુ ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. રૂપાલા સામેનો રોષ હવે સીધો જ ભાજપ સામે આવી ગયો છે અને ભાજપને હરાવવા માટે લડત પાર્ટ-૨માં ગામોગામ ક્ષત્રિય સમાજનું ભાજપ વિરુધ્ધનું વાવાઝોડુ ફૂંકાઇ રહ્યુ છે. બીજીબાજુ મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બન્ને પાટીદાર છે. એક કડવા પાટીદાર(પરસોતમ રૂપાલા) તો બીજા લેઉઆ પાટીદાર(પરેશ ધાનાણી). બન્ને અમરેલીથી આયાત થયેલા છે! પાટીદાર સામે પાટીદારને ટકરાવવાના આ રાજકારણમાં બે વચ્ચે ત્રીજા પાટીદારને ટકરાવવાની પણ એક રાજકીય સોગઠાબાજી સામે આવી છે. રાજકોટ બેઠક પર ફાઇનલ થયેલા ૯ મુરતિયામાં એક અપક્ષ ઉમેદવાર ભાવેશ પીપળિયા પણ અમરેલીના લાલાવદરના છે. ભાવેશભાઇ લેઉઆ પાટીદાર છે. દેખીતી રીતે જ લેઉઆ સમાજના પરેશ ધાનાણીને જ અસર કરી શકે છે.


