રાજકોટમાં રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવની જાહેરાત
ગીરના સિંહોના અકસ્માત ન થાય તે માટે ટ્રેનના રૂટ મર્યાદીત કરાશે
ડબલ ટ્રેકના અપગ્રેડેશન બાદ ટ્રેનોની સ્પીડ વધશે : રાજકોટ-અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન દોડશે
વિકસીત ભારત ૨૦૪૭ અંગેના સંવાદ કાર્યક્રમમાં રાજકોટ ખાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે ચૂંટણી બાદ રાજકોટ રેલવે સ્ટેશનનો અમૃત ભારત રેલવે સ્ટેશનની કેટેગરીમાં ખાસ વિકાસ થશે. આ માટેની તૈયારીઓ ચૂંટણી બાદ તુરંત હાથ ધરાશે. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ડબલ ટ્રેકના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે અને અંતિમ તબક્કા બાદ ટ્રેનની સ્પીડ ૧૦૦થી ૧3૦ સુધી લઇ જવામાં આવશે.
અશ્વિનીકુમાર વૈષ્ણવે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ગીરમાંથી પસાર થતા રેલવે ટ્રેકના કારણે સિંહના અકસ્માતમાં મૃત્યુ થાય છે. તે બાબતે રેલવે તંત્ર ચિંતીત છે અને આ ટ્રેકને ગીરના જંગલથી બહાર કાઢવા માટેની કામગીરી થશે. તેમણે અમદાવાદ-રાજકોટ વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવા ઉપરાંત સૌરાષ્ટ્રની રેલ સુવિધાઓ અને ખાસ કરીને યાત્રાધામોની ટ્રેનોને લીંક વધારવાની પણ માહિતી આપી હતી. આ પરિસંવાદમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ડો.વલ્લભ કથીરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રેલવે મંત્રીની વાંકછટ્ટા અને તેમના વિષયનું ગહન જ્ઞાન તેમના પરિસંવાદમાં જોવા મળતું હતું. સમગ્ર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ રાજકોટના નાગરિકોથી ભરચક્ક હતો.


