મોદીની ગેરંટી એટલે અમલ થવાની પાકી ગેરંટી : અમિત શાહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના શાસન દરમિયાન ભારતે વિકાસનો એક ટ્રેક પકડ્યો છે એ જોતા આગામી ૫ વર્ષમાં ભારતની ગણના વિશ્વના ટોપ-3 દેશમાં થશે તેવો આત્મવિશ્વાસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જામકંડોરણામાં યોજેલી જાહેર સભા દરમિયાન વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, પાછલા દસ વર્ષમાં ભારતમાં આમુલ પરિવર્તન આવ્યા છે. નરેન્દ્રભાઇએ કેટલાક કઠોર અને કઠીન નિર્ણયો પણ લીધેલા છે. તેના સારા પરિણામ હવે દેખાઇ રહ્યા છે. આવતા પાંચ વર્ષમાં ભારતની ઇકોનોમી વિશ્વના ટોપ-3 દેશમાં હશે તેવી મોદીની પાકી ગેરંટી છે. મોદીની ગેરંટી એટલે અમલ થવાની પાકી ગેરંટી.
ગૃહમંત્રી અમિત શાહ જામકંડોરણાના ઉદ્યોગનગર ખાતે બનાવેલા હેલીપેડ ખાતે હેલીકોપ્ટરમાંથી ઉતર્યા બાદ સભા સ્થળ સુધી રોડ-શો યોજાયો હતો. સભામાં ભાષણની શરૂઆતમાં જ દેશના ભાવી વિકાસ માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જે પરિકલ્પના છે તે રજૂ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિશ્વમાં કોઇ ભારતની નોંધ પણ લેતુ ન હતુ. આજે સમગ્ર દુનિયા ભારતની નોંધ લે છે. વિદેશી રોકાણકારો ભારતમાં આવવા માટે લાઇનમાં ઉભા રહે છે. આ છે ભારતની તાકાત. હવેના પાંચ વર્ષ દેશના વિકાસ માટે નિર્ણાયક રહેવાનું છે. પાછલા દસ વર્ષમાં નરેન્દ્રભાઇએ વિકાસના જે બીજ રોપ્યા છે એ હવે આવનાર પાંચ વર્ષમાં લણવાનો સમય આવવાનો છે. ભારત વિશ્વ ગુરુ બનવા તરફ હરણફાળ ભરી રહ્યુ છે. આગામી પ વર્ષમાં ભારતની ઇકોનોમી વિશ્વના ટોપ-3માં હશે.
કાશ્મીરમાં કલમ 3૭૦ હટાવશો તો લોહીની નદી વહેશે તેવું રાહુલ બોલ્યા હતા : અમિત શાહ
અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પાકિસ્તાનથી હાલિયા, માલિયા, જમાલિયા રોજ ભારતમાં ઘુસીને હુમલા કરી જતા હતા. આતંકવાદ ફાટીને ધુમાડે ગયો હતો. નરેન્દ્રભાઇ આવ્યા પછી દુશ્મન દેશ થર થર કાપી રહ્યો છે. કાશ્મીરમાં કલમ 3૭૦ હટાવવામા આવી હતી ત્યારે રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરતા કહ્યુ હતુ કે, આ કલમ હટવાથી કાશ્મીરમાં લોહીની નદી વહેશે. આજે સ્થિતિ એ છે કે, લોહીની નદી વહેવાની વાત દૂરની રહી, એક કાંકરીચાળો પણ કાશ્મીરમાં થતો નથી. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી સમગ્ર દેશ આજે શાંતિ ઇચ્છે છે, વિકાસ ઇચ્છે છે. મોદીને વડાપ્રધાનપદે ઇચ્છે છે.
મોદીએ અગાઉથી જ પોરબંદરને કેન્દ્રના મંત્રી આપી દીધા
અમિત શાહે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં મે દેશની ૨૭૯ લોકસભા બેઠકમા સભા કરી. હું જ્યા પણ જાવ ત્યા લોકોની લાગણી એવી હોય છે કે, તેમણે ચૂંટેલા સાંસદને કેન્દ્રમાં મંત્રીપદ આપવામા આવે. અહીં મોદીએ તો માગ્યા વગર જ અગાઉથી પોરબંદરને કેન્દ્રના મંત્રી આપી દીધા છે.
કોંગ્રેસના શાસનમાં ગામડાંમાં પાણી માટે બેડા યુધ્ધ થતા હતા
અમિત શાહે કોંગ્રેસના શાસનમાં જે હાલત હતી તેને લઇને આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, એક સમય હતો કે, ગામડાંમા માત્ર ૮ કલાક જ વીજળી મળતી હતી. ગામોગામ પાણી માટે બેડા યુધ્ધ થતા. ટ્રેન મારફતે પાણી જે તે શહેરોમાં પહોંચાડવુ પડતુ હતુ. પરંતુ નરેન્દ્રભાઇએ ગુજરાતનું અને એ પછી દેશનું સુકાન સંભાળ્યુ એ પછી જળ સમસ્યા ભુતકાળ બની ગઇ છે. સૌની યોજના હેઠળ ગુજરાતના છેવાડાના ગામડાં સુધી નર્મદા નીર પહોંડવામા આવી રહયા છે.


