- ફિલિપાઈન્સમાં ભીષણ ગરમીને લીધે બે દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
- મલેશિયામાં લૂ લાગવાથી કુલ બે લોકોનાં મોત
- થાઈલેન્ડમાં લૂ લાગવાથી અત્યાર સુધી કુલ 30 લોકોનાં મોત
વિશ્વના ઘણા ભાગોમાં ભારે ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા દેશો તીવ્ર ગરમીની લપેટમાં છે, જેના કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને હેલ્થ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, દક્ષિણપૂર્વ એશિયામાં અધિકારીઓએ તીવ્ર ગરમીના મોજા અને ગરમી માટે આરોગ્ય ચેતવણી જાહેર કરી છે.
થાઈલેન્ડમાં 30 લોકોના મોત થયા છે
તે જ સમયે, સખત ગરમીને કારણે, ફિલિપાઇન્સના શિક્ષણ મંત્રાલયે રવિવારે બે દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આગામી ત્રણ દિવસમાં દેશમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. થાઈલેન્ડ અને બેંગકોકમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર થવાની ધારણા છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ગત મહિનાથી અત્યાર સુધી ગરમીના કારણે 30 લોકોનાં મોત થયા છે.
મલેશિયામાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે
અહીં, મલેશિયાના હવામાન વિભાગે રવિવારે 16 અલગ-અલગ વિસ્તારોમાં ગરમ હવામાનની ચેતવણી જારી કરી હતી. આ તમામ વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 13 એપ્રિલ સુધી દેશમાં ગરમી સંબંધિત રોગોના કુલ 45 કેસ નોંધાયા છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારે ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે બે લોકોનાં મોત પણ થયા છે.
સિંગાપોરમાં ગરમી વધશે
સિંગાપોરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે દેશમાં તાપમાન ગત વર્ષ કરતાં વધુ વધશે. હવામાન વિભાગે જણાવ્યું કે ગયા વર્ષે 13 મેના રોજ સિંગાપોરનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેથી લોકો ગરમીમાં શેકાઈ ગયા હોવાનો અનુભવ કર્યો હતો.
ઈન્ડોનેશિયામાં ડૅન્ગ્યૂનો પ્રકોપ
ઈન્ડોનેશિયામાં ગરમીના કારણે ડૅન્ગ્યૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ડૅન્ગ્યૂ તાવના કેસ વધી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે એક વર્ષ પહેલા ડૅન્ગ્યૂના 15,000 કેસ નોંધાયા હતા, પરંતુ હવે તેના કેસ વધીને 35,000 થઈ ગયા છે.


